પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હસવા સરખી છે, એવા દુષ્ટ તર્ક તો સુધારાવાળાને ઘટે; મને આશા છે કે તમારામાંથી કોઈ સુધારામાં ગયા નહિ હો.'

ભોંય પર લાડુ ગોઠવવાની વાત કરનાર ચાકર કહે, 'અમારામાં સુધારો તે શો હોય, પણ આ રસોઇયા મહારાજની નાતમાં એવું છે કે બાયડી પરણે એટલે પછી રાંધવાનો ધંધો ન કરાય, તેથી એ કહે છે કે "હું રાંધવાનો સંચો લાવવાનો છું. તેમાં જોખી જોખીને બધું મૂક્યું હોય ને દેવતા સળગાવી કળ ફેરવી મેલી એટલે એની મેતે રંધાઈ જાય. એટલે પછી એમ કહેવા થાય કે રસોઇયાનું કામ કરતો નથી પણ સંચા પર માસ્તર છું" એવો સંચો થતો હશે મહારાજ ?'

ભદ્રંભદ્ર નિ:શ્વાસ બાખી બોલ્યા. 'પાશ્ચાત્ય યાંત્રિક શક્તિઓ અનેક સુપ્રવૃત્તિઓ અટકાવે છે. તેમ સ્ત્રીઓને કર્તવ્યભ્રષ્ટ અને બ્રાહ્મણોને વ્યવસાયરહિત કરવા દેવે ધાર્યું હશે તો આવું દુષ્ટ યંત્ર પણ થશે. જલની ઉત્પત્તિના હેતુને નાશ કરનાર, ઋતુઓના ભેદને નિરર્થક કરનાર અને હિમાલયનું નામ અયથાર્થ કરનાર બરફનો સંચો નીકળ્યો છે, તો સ્ત્રીઓના અને રસોઇયા બ્રાહ્મણોના જીવનને નિષ્પ્રયોજન કરનાર, તેમના હસ્તને નિરુપયોગી કરનાર, તેમની બુદ્ધિને વ્યાપારરહિત કરનાર રાંધવાના સંચા પણ નીકળશે.'

રસોઇયો કહે, 'નીકળશે શું ? નીકળી ચૂક્યા છે; મેં છાપામાં વાંચ્યું છે અને શેઠ કોઈ વેળા પૈસા ખરચવા બેસશે તે વખત એ સંચોયે મંગાવું છું.'

ચાકરો તરફ વળીને તે બોલ્યો, 'પછી તો બધું રોજ જોખાવાનું ને જોઈ લેજો કે સીધું કેમ ઘેર લઈ જવાય છે.'

પેલો ચાકર કંઈક અકળાઈને બોલ્યો, 'પોતે ઘી પી પીને જાડો થયો છે, ને ભટાણીને જાડી કરવા રોજ ઘી ઘેર મોકલે છે તે તો મારા બેટાને સૂઝતું નથી.'

રસોઇયો ચૂલામાંથી બળતું લાકડું કહાડીને તે ચાકર પર ધસ્યો. બીજા ચાકરો તેને વારવા લાગ્યા, પણ રસોઇયાનો કોપ જલદી શમે તેમ નહોતું. 'મને "બેટો" કહેનાર કોણ અને ભટાણીનું નામ શું કામ દેવું પડે, એ જ વાક્ય ઘડી ઘડી તેના મુખમાંથી નીકળતું હતું અને કોઈ પણ ઉત્તરથી એ પ્રશ્ન બંધ થતા નહોતા. પેલા ચાકરને ડામવાનો રસોઇયો શપથ લેવા લાગ્યો. સમજાવ્યો નહિ અટકે એમ લાગ્યાથી ચાકરોએ રસોઇયાને ઝાલી લીધો અને બળતું લાકડું તેના હાથમાંથી ઝૂંટવી લીધું. ભદ્રંભદ્રે સુધારાની વાત કહાડ્યાથી આખરે નુકશાન તો અમને થયું કે રસોઇયો અભડાવાથી અમને પીરસવાનું અટકી બેઠું. એમને પીરસવાનું તો હજી બહુ બાકી હતું, કેમકે જમવા માંડ્યાને હજી પોણો કલાક જ થયો હતો. ચાકરો રસોઇયાને ફરી નહાવાની વિનંતી કરવા લાગ્યા. તે કહે, 'મારે નહાવું જ નથી. આ રસોઈ બધી કોહી જાય ને નાખી દઉં પણ તમારે ભાગે એમાંથી કંઈ આવવા દઉં નહિ.' હું ને ભદ્રંભદ્ર કંઈ જાણતા ન હોઈએ તેમ નીચું જોઈ થોડું થોડું ખાવાનું જરી રાખવા મંડ્યા, પણ માયા જેમ અજ્ઞાનમાં નાખી પાછી શિવસ્વરૂપ ભણી આત્માને પ્રેરે છે, તેમ ચિંતા નીચું જોવડાવ્યા પછી ત્રાંસુ જોવડાવી રસોઇયાનો ખેલ દેખાડવા લાગી.