પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભદ્રંભદ્ર મારા મનમાં કહે, 'સ્નાન કર્યા પછી અશુચિ થતાં ફરી ન નહાનારને શાસ્ત્રમાં લખેલો દોષ આ રસોઇયાને કહેવાથી લાભ થશે.' પણ મેં કહ્યું, 'તે વખતે તમારું અપમાન કરશે તેની તો ફિકર નહિ, પણ અહીંથી જતો રહેશે તો સમૂળગા ભૂખ્યા રહીશું; માટે ચાકરોને જ સમજાવવા દો.'

ભદ્રંભદ્ર કહે, 'ભૂખ્યો તો ના રહું, મારું બ્રહ્મતેજ વાપરું તો બધી રસોઈ એમ ને એમ મારા મુખમાં ચાલી આવે પણ તેમ કરું તો તું રહી જાય અને કલિયુગમાં પરિણામ વિચાર્યા વિના બ્રહ્મતેજનો ઉપયોગ કરવાનો નિષેધ છે. વળી સર્વ પરિણામ જાણવા સારુ જ્યોતિષથી ગણતરી કરવી પડે, માટે હાલ મારું બ્રહ્મત્વ પ્રગટ કરતો નથી.'

આવી વાર્તામાં અમે શૂન્ય થાળીઓના દર્શનથી ઉદ્ભૂત થતો વિષાદ દૂર કરવા પ્રયત્ન કરતા હતા, તેટલામાં ક્ષમા માગી, વખાણ કરી, ગાંજો પાવાની લાલચ આપી, મે'માનને બેસાડી રાખ્યાની વાત શેઠને કાને પહોંચાડવાની બીક બતાવી અને બીજા અનેક ઉપાયો આદરી ચાકરોએ રસોઇયા પાસે નહાવાનું કબૂલ કરાવ્યું. 'ઊના પાણી વિના નહિ નાહું,' એવી વળી તે જીદ લઈ બેઠો. વિલંબ થાય છે, એ વાત ધ્યાનમાં લેવાની તેણે સાફ ના પાડી. ચાકરો ફરી ઊનું પાણી કરવા લાગ્યા.

ભદ્રંભદ્ર મને કહે, 'આપણે દેવતા સળગાવવામાં મદદ કરવા જઈએ. મારા જેવા બ્રાહ્મણની શરમે અગ્નિ ઝટ પ્રદીપ્ત થશે અને પ્રચંડ થશે.' મેં કહ્યું, 'બીજી હરકત તો કંઈ નથી. પણ ભોજનનો આરંભ કર્યા પછી સ્વસ્થાનેથી ઊઠવાનો નિષેધ છે. આપ જ કહેતા હતા કે પ્રાણવાયુ શરીરમાંથી ઝરીને પાટલાને એવો વીંટાઈ વળે છે કે ઊઠવાનો પ્રયત્ન કરીએ તોપણ ઉઠાય નહિ.'

ભદ્રંભદ્ર કહે, 'એ વાતની મને વિસ્મૃતિ થઈ. ભોજન જેવું શાસ્ત્રવિહિત કાર્ય કરતાં સુધારાનું નામ દીધું તેથી જ આ અનિષ્ટ પરિણામ થયું અને શાસ્ત્રાજ્ઞા વીસરી જવાઈ.'

આખરે જલે અને અગ્નિએ કૃપા કરી રસોઇયા મહારાજ નહાયા અને અમૃતાસ્વાદનો અમે ફરી પ્રારંભ કર્યો. કામ ચૂપચાપ ચાલ્યું, ચાકરોએ જિહ્વાલૌલ્યને વશમાં રાખ્યું. ભદ્રંભદ્રે શાસ્ત્રકથનની ઇચ્છાને અટકાવી. રસોઇયાએ નયનવ્યાપારને બંધ કર્યો. એકાદ કલાક રસોઇયાને સમજાવવામાં ગયો હતો, તેથી તે પહેલાં ખાધેલું બધું પચી જવાથી અમારે નવેસરથી ભોજન કરતાં એક કલાક થયો. કાર્ય સમાપ્તિ કરી. આ વખતે બધા મળી ત્રણ કલાક ગયા તે બધો વખત ઇતર વ્યાપારમાં ગયો તે માટે ખેદ કરતા, અમે ઉપર ગયા. યજમાનને રાજી કરવા પેટમાં પડવા દીધેલા ભારથી ભદ્રંભદ્ર હાંફતા ઊંચી દષ્ટિ રાખી દાદર પર ચઢ્યા, તેથી દાદર પાસેના આરસા ભણી તેમની દૃષ્ટિ પડી નહિ. તેની અંદર તેમનું પ્રતિબિંબ જોઈ કોઠી કેવી હશે તેનો વિચાર કરતો અને દાદરની ભારવહન શક્તિ શી રીતે મપાય તે વિશે તર્ક બાંધતો હું તેમની પછાડી ધીમે ધીમે ચઢ્યો. ઉપર ઘણુંખરું મંડળ વીખરાઈ ગયેલું હતું. રહ્યા હતા તેટલા ઊંઘી ગયેલા