પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ન્હાનાનું ન્હાનપણ જાળવી રાખવામાં નહિ પણ તેને સ્વાશ્રયી કરીને મહત્તાને માર્ગે ચ્હડાવવામાં છે.

જીવન એ સતત યુદ્ધ છે, તો એ જીવનને ટકાવવા અને જયવંત કરવા શૂરતનની પ્રથમ આવશ્યકતા છે. કળાના નવ રસમાં એથી જ વીરરસનું પ્રાધાન્ય મનાયું છે. મનુષ્યહૃદયના ઉજજ્વલ ભાવો—સ્વાર્થત્યાગ અને સ્વભોગ—એ રસમાં પૂરા ખીલી નીકળે છે, અને એજ ગુણો ધર્મભક્તિ અને દેશભક્તિના અચળ સ્થંભો છે. ગુર્જરસાહિત્યને મંદિરે દેશભક્તિનાં પુષ્પો ગતકાળમાં સારી પેઠે ચ્હડ્યાં છે, અને તેમાં વીરબન્ધુ કવિ નર્મદનો ઉપહાર સબળ અને પ્રધાન છે. એમની પછી ડૉ. હરિલાલ ધ્રુવે એ જ મંદિરની ઘંટા ઉછળતા વીરનાદે વગાડી છે. એ મંદિરના સર્વ પૂજારીઓને ભારતનાં ગાન કરૂણરસમાં જ પ્રથમ કરવાં પડ્યાં છે, પણ કરૂણરસમાંથી આત્મભાન થતાં વીરરસ સ્વાભાવિક જન્મે છે. આ પુસ્તકમાંનાં કાવ્યોનો પ્રવાહ પણ એવી જ રીતે વહ્યો છે. જેવાં તેવાં પણ અંતરની સત્ય અને સબળ ઊર્મિથી ચૂંટાયેલાં આ કાવ્યપુષ્પોનો ઉપહાર હું ગુર્જરસાહિત્યદેવીને ચરણે ધરું છું, અને એ ધરવામાં જ જે આનન્દ અને સંતોષ મને પ્રાપ્ત થાય છે તેમાં જ હું મ્હારૂં અહોભાગ્ય સમજું છું. ગુર્જરબંધુઓને તેમના નવજીવનમાં આ કાવ્યો કાંઈ પણ પ્રેરણારૂપ થશે તો તેમાં જ એ કાવ્યોનો હેતુ સફળ થયો ગણાશે. એક લેખક એથી વધુ શી આશા રાખી શકે ?

હાઇકોર્ટની સ્હામે,
મદ્રાસ, ૫–૧–૧૯૧૯
અરદેશર ફરામજી ખબરદાર
}