પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૧

બહુરૂપીએ તે ઠેકાણે પોતાના શરિરને થથરાવ્યું. એથી સુપ્રનાથની ખાત્રી થઈ કે બહુરૂપી ઘણોજ ગુણવાન છે, માટે એને બક્ષિસ આપવી જોઈએ. એમ વિચારી પોતાને માથે પહેરેલી જુની ટોપી તેણે પોતાની ગુણગ્રાહકતા દેખાડવા માટે ઉતારી બહુરૂપી ઉપર ફેંકી અને ' વાહ વાહ' 'શાબાશ, શાબાશ' પોકારવા લાગ્યો.

એ ઉપરથી બહુરૂપી બહુજ ખુશ થયો અને પોતાનો વેષ કાઢી નાંખી તે ટોપી હાથમાં લઈ બાદશાહ આગળ જઈ બોલ્યો પૃથ્વિનાથ ! આ ટોપીનો માલિક ઘણોજ ચતુર અને ગુણગ્રાહક છે. આપે મને આપેલા હઝારો રૂપીયાના ઈનામથી મને જેટલો આનંદ ન થયો તેટલો આનંદ આ ટોપી મળવાથી થયો છે. તેની પાસે ફકત આ ટોપી જ હતી અને તે તેણે ગુણ જોઇને આપી. ગુણ જોઈને આપવું તે વગર ગુણ જોયે આપવા કરતાં લાખગણું વધારે છે.” બાદશાહે તે છોકરાને પોતાની પાસે બોલાવ્યો અને ઘણીજ નરમાશ અને માયા ભરેલી રીતે તેણે પરિક્ષા કેમ કરી તે પૂછયું, સુપ્રનાથે બધી વાત કહી સંભળાવી. બાદશાહે એ ઉપરાંત પણ જેટલા સવાલો પૂછ્યા તેના સુપ્રનાથે વગર અચકાયે–ગભરાયે જવાબ આપ્યા. બાદશાહ અને અન્ય અમીરો તથા સરદારોની પણ ખાત્રી થઈ ગઈ છે, એ છોકરો ઘણોજ ગુણવાન અને ચતુર છે. બાદશાહે છોકરાનું નામ નિશાન પૂછી લઈ તેને સારાં કપડાં લત્તાં આપી હંમેશા કચેરીમાં આવવાનું કહી વિદાય કર્યો. સુપ્રનાથ ઘણો જ પ્રસન્ન થતો થતો ઘેર ગયો અને બીજે દીવસથી બાદશાહના દરબારમાં જવા લાગ્યો.

એક દિવસે રાજમહેલમાં જ્યારે એ જ બહુરૂપી ખેલ કરતો હતો, ત્યારે અકબર બાદશાહે તેને વાઘનો વેશ લેવાનું કહ્યું. બહુરૂપીએ હાથ જોડીને કહ્યું “મહારાજ ! મારે વાઘને વેશ લેવો ત્યારે તે બરોબર રીતે બજાવવો જોઈએ. માટે આપ જો દરબાર માંહેલી એક માણસના ખૂનની માફી બક્ષો તો હું તે વેષ લાવું."