પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧
લોખંડી ગુરૂભાઈ.

પૃથ્વિનું રાજ્ય મળ્યું અને ઇંદ્રનું પલ્લું ઉંચે જતાં તેને સ્વર્ગનું રાજ્ય સોંપાયું. એ ઉપરથી જ મેં આપને મોટા કહ્યા.”

બીરબલને આ પ્રમાણે બોલતો સાંભળી બાદશાહ રાજી થઈ ગયો અને તેને ઘણીજ શાબાશી આપી. બીરબલનું કહેવું ખરી રીતે જોતાં તો એમ હતું કે ઉંચું સ્થાન તે ઇંદ્રનું અને સૌથી નીચું તે તારૂં (બાદશાહનું). પણું બાદશાહ એ સમજી ન શક્યો અને પોતાને ઇંદ્ર કરતાં મોટો પૂરવાર કરાયેલો જાણી ખુશખુશ થઈ ગયો અને સૌ દરબારીયો પણ બીરબલની ચાલાકી અને હાઝર જવાબી જોઈ બહુજ હયરત પામ્યા.

વાર્તા ૧૯.

લોખંડી ગુરૂભાઈ

દિલ્હી શહેરની પાસે એક ગામમાં એક સ્ત્રી રહેતી હતી. પતિસેવા એ સ્ત્રી જાતિનો ધર્મ છે, પણ એ વઢકણી સ્ત્રીએ સ્હાંજે ધણી ઘેર આવે એટલે તેને દસ જોડા મારવા એ નિયમ રાખ્યો હતો. તેમજ વળી તે એવી તો મજબુત અને બદમાશ હતી કે બીચારો ધણી મુંગે મોઢે બધું સહન કરી લેતો.

એ સ્ત્રીની એકની એક પુત્રી હતી જે ઉમ્મરલાયક થવા આવી હતી, છતાં તેની માતાનો વારસો કદાચ તેને પણ મળ્યો હોય એવી બ્હીકથી કોઈ તેને પરણવા માટે તૈયાર થતું નહીં. વળી તેની વઢકણી માતા તેને સાસરીચામાં જંપીને રહેવા નહીં દે, એ ખ્યાલ પણ સૌને તેમ કરતાં અટકાવતો હતો.