પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
બીરબલ વિનોદ.

સત્તાવીસમાંથી નવ જતાં શેષ શૂન્ય રહે, એ સાંભળી બધા દરબારીઓ વિસ્મય થયા અને સાથે જ બીરબલને ખોટો પડેલો જાણી હસવા લાગ્યા. બાદશાહે એ બધો પ્રકાર જોઈ લીધો એટલે તેણે બીરબલને પોતાના જવાબનો ખુલાસો કરવા ફરમાવ્યું. બીરબલ બોલ્યો “ ખુદાવિંદ! કુલ નક્ષત્ર સત્તાવીસ છે જેમાંથી વર્ષાઋતુના નવ નક્ષત્રો કાઢી નાંખીયે તો શેષ અઢાર શા કામ લાગે એમ છે ?! કામના તો માત્ર નવજ એટલે બાકીના તો બધા મીંડાજ."

આ જવાબ સાંભળી બધા પોતપોતાની અક્કલને કોસવા મંડયા અને માથું નમાવી બેઠા.

વાર્તા ૨૧.

આકાશમાં તારા કેટલા ?

એક પ્રસંગે બાદશાહે બીરબલને પૂછયું “ બીરબલ ! આકાશમાં તારા કેટલા હશે ? બીરબલે તરતજ બગીચામાં આવેલા એક મોટા આમલીના ઝાડ તરફ આંગળી બતાવી કહ્યું “હુઝુર પેલા વચલા આમલીના ઝાડનાં જેટલા પાંદડા છે એથી સવાયા આકાશમાં તારા છે, એટલે એ પાંદડાઓને ગણી તેનો હીસાબ લગાવી લો.” આ હાજર જવાબી સાંભળી બધા ખુશ થયા અને બાદશાહે બીરબલને ભારે સરપાવ આપ્યો.