પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩
બીરબલ વિનોદ.


પાસે આટલે મોટે સાદે બૂમો પાડી મારી નિદ્રાનો ભંગ કરે છે? જાવ, જલ્દીથી તેને પકડી લાવી મારી આગળ હાઝર કરો.” આજ્ઞા મળતાં જ ત્રણ ચાર સિપાહીઓ દોડ્યા, તેમને પોતા તરફ આવતા જોઈ બીરબલની સ્ત્રી જાણે કાંઈ જાણતી જ ન હોય તેમ વધુને વધુ જોરથી “સીયોરામ ! સીયોરામ ! !” કરવા લાગી. અર્ધરાત્રિને સમયે નદી તીરે એક યુવાન સૌંદર્યવતી સ્ત્રીને એકલી કપડાં ધોતી જોઈ સીપાહીઓ સહેજ આશ્ચર્યચકિત થયા. તેઓ તેની પાસે જઈ પહોંચ્યા, છતાં તેણી તો બેફીકર પોતાનું કામ કર્યે જતી હતી. તેને પોતાના કાર્યમાં એવી દત્તચિત્ત જોઈને એક સિપાહીએ જોરથી કહ્યું “હે સ્ત્રી! તું કોણ છે? આ સમયે અહીંયાં કેમ કપડાં ધોવા આવી છે? તેં બાદશાહની નિદ્રાનો ભંગ કર્યાથી બાદશાહે તને પકડી મંગાવી છે. માટે ચાલ અને તારા કર્મનું પ્રાયશ્ચિત કર.”

એ સ્ત્રી તો એટલું જ ઈચ્છતી હતી, છતાં થોડીવાર માટે આનાકાની કર્યા પછી, મેલાં કપડાં ત્યાં જ પડતાં મૂકી સીપાહીઓ સાથે બાદશાહ આગળ ગઈ અને અત્યંત નમ્રતાપૂર્વક સલામ કરી ઉભી રહી. તેને જોતાં બાદશાહ ઘણો જ ગુસ્સે થયો અને બોલી ઉઠ્યો “હે અભાગિની ! તું કોણ છે? અર્ધરાત્રિને સમયે આ સ્થળે કેમ કપડાં ધોવા બેઠી છે?"

બાદશાહને અત્યંત ક્રોધિત જોઈ પ્રથમ તો તે સ્હેજ ગભરાઈ, પણ પાછી હીંમત લાવી બેલી “પૃથ્વિનાથ!… પૃથ્વિનાથ! હું તો.....” બાદશાહે તેને આટલા બધા ગભરાટનું કારણ પૂછ્યું અને સાથે જ ધમકી બતાવતાં કહ્યું