પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
બીરબલ વિનોદ.


“તું આટલી બધી ભયભીત કેમ છે? સાચે સાચું કહી આપ નહીં તો તારી બહુજ દુર્દશા થશે.”

આ સાંભળી પેલી સ્ત્રી હીંમત આણી બેલી “પૃથ્વિનાથ ! મને અત્યંત આવશ્યક્તા હોવાને કારણે જ આવા સમયે કપડાં ધોવા આવી છું.” બાદશાહ વધુ ગુસ્સે થતો બોલ્યો “એવી કેવી આવશ્યક્તા હતી જેણે તારા જેવી સાૌંદર્યવાન સ્ત્રીને આવા સમયે કપડાં ધોવાની ફરજ પાડી? સ્ત્રીએ કહ્યું “કૃપાનિધાન મારા પતિએ પુત્રને અત્યારે જન્મ આપેલ હોવાથી પોતડાઓની ( બલોતીઆંની ) આવશ્યક્તા હતી.”

આ વિચિત્ર વાર્તા સાંભળી બાદશાહને હસવા સાથે આશ્ચર્ય પણ ઉત્પન્ન થયું, તેણે કહ્યું “રે, દીવાની સ્ત્રી ! તારું ભાન ઠેકાણે છે કે નહીં ? પુરૂષ જાતિએ તે વળી કાંઈ બાળકને જન્મ આપેલો સાંભળ્યો છે ?”

પેલી સ્ત્રીએ તરત જ ધીમે સાદે કહ્યું “પૃથ્વિનાથ ! જો પુરૂષને પેટે બાળક ન જન્મે તો પછી બળદનું દુધ મળવાનું ક્યાંથી જ સંભવિત હોય?”

આ શબ્દો સાંભળતાં જ બાદશાહને પોતે બીરબલને આપેલી આજ્ઞાનું સ્મરણ થઈ આવ્યું એટલે તે વધુ આશ્ચર્યથી પૂછવા લાગ્યો “હે સુન્દરી! તું કોણ છે?” તેણે ઉત્તર આપ્યો “કૃપાનાથ! બીરબલ મારા ધર્મ પતિ છે.” બાદશાહે એથી પ્રસન્ન થઈ તેણીને અત્યંત ધન્યવાદ આપ્યા અને તેના ચાતુર્ય બદલ તેને ભારે પારિતોષિક આપી વિદાય કરી. બીરબલ પણ પોતાની સ્ત્રીના આવા ચાતુર્યથી અત્યંત પ્રસન્ન થયો.