પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૪

બહુરૂપીએ જવાબમાં કહેવડાવ્યું “બેગમ સાહેબા ! મેં જ્યારે વાઘનો વેષ લીધો હતો ત્યારે તમારા ભાઇનો પ્રાણ લેતાં હું અચકાયો ન હતો, અત્યારે મ્હારો પોતાનો પ્રાણ છે એટલે મારાથી પાછા તો નજ ફરાય, માટે મારો પ્રાણ બચાવવાને માગ્રહ ન કરતાં મ્હને મહારો વેષ પૂરેપૂરો ભજવવા દો.”

બેગમે તેમજ બાદશાહ સુદ્ધાંએ તેને ઘણોએ સમજાવ્યો, છતાં તે પોતાની વાતથી ન ફર્યો અને આખરે “ જય રણછોડ, જય રણછોડ” કરતો પેલી ચીતામાં પડી જોતજોતામાં ભસ્મ થઈ ગયો. સઘળા લોકો આ વિચિત્ર વેષ જોઈ ઉદાસ બની વિખરાયા, કચેરી પણ બરખાસ્ત થઈ. રસ્તે જતાં લોકો તરેહવાર વાત કરતા હતા. કેટલાક બહુરૂપીની હીંમતના વખાણ કરતા, ત્યારે કોઇ તેની હઠ માટે તેને વગોવતો, ત્યારે વળી કેટલાક સુપ્રનાથે બતાવેલી યુક્તિ માટે તેને ધન્યવાદ આપતા.

બીજે દીવસે જ્યારે દરબાર ભરાયો ત્યારે બાદશાહે તે બ્રાહ્મણ પુત્ર ઉપર અતિશય પ્રસન્ન થઈને કહ્યું “આ છોકરાને વીરનું બળ ઘણું છે માટે એને બીરબલ નામથી બોલાવો.” એ દીવસે પણ બાદશાહે તેમજ બાદશાહની માતાએ સુપ્રનાથને ભારે કીમતી ઈનામ આપ્યું.

દંતકથા–(૫) બુદેલખંડના લોકો બીરબલને ત્યાંનો વતની દર્શાવે છે. તેમની માન્યતા મુજબ બીરબલ બુંદેલખંડ તાબાના ટેહરી ગામનો સનાઢ્ય બ્રાહ્મણ હતો, તે બાળવયથી જ અત્યંત બુદ્ધિમાન અને પ્રબળ સ્મરણશક્તિવાળો હતા. એકવાર જે કાંઈ વાંચવામાં આવ્યું તે મોઢે યાદ થઈ જતું. જ્યારે તેને ભણાવવા કાબેલ કોઈ ગુરૂ ટેહરીમાં ન રહ્યા ત્યારે બીરબલને કાશી જઇ વિદ્યાભ્યાસ કરવો પડયો. કાશીમાં સંસ્કૃત ભાષાનું સંપૂર્ણ જ્ઞાન મેળવી બીરબલે દિલ્હી આવી અરબી તથા ફારસી ભાષાનું પણ સાધારણ જ્ઞાન મેળવ્યું, એવામાં દિલ્હીમાં બીરબલને કોઈ રોગ લાગુ પડતાં તેણે એક હકીમ