પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૫

( વૈદ્ય ) પાસે દવા કરાવી, હકીમે રાજા ટોડરમલ જોડે બીરબલની મુલાકાત કરાવી આપી. રાજા ટોડરમલે બીરબલની ચાતુર્યતા, ચોગ્યતા અને બુદ્ધિમત્તા જોઇ બાદશાહ સાથે ભેટ કરાવી, બાદશાહે તેની વાતથી પ્રસન્ન થઈ તેને પોતા પાસે રાખી લીધો.

દંતકથા-(૬) કેટલાક વળી એમ પણ કહે છે “ બીરબલ કાશીનો બ્રહ્મભટ હતો અને તેનો જન્મ કાશીમાં જ સંવત ૧૬૧૭ માં થયો હતો". પરંતુ, જન્મની સાલ એ વાતને ખોટી ઠેરવે છે; કેમકે સંવત ૧૬૨૬ થી બીરબલ બાદશાહના દરબારમાં ઉપસ્થિત રહેવાનું ઇતિહાસ ઉપરથી જણાઈ આવે છે. એ સાલમાં જ બીરબલે મલબારના રાજા જલીના વકીલની બાદશાહ જોડે મુલાકાત કરાવી હતી.

જોધપુર રાજ્યના મુનસિફ મુન્શી દેવીપ્રસાદજીએ બીરબલ વિષે એક પુસ્તકમાં લખ્યું છે કે “ બીરબલનું અસલ નામ બ્રહ્મદાસ હતું, તે જાતે બ્રાહ્મણ હતો. સંસ્કૃતનું એને સંપૂર્ણ જ્ઞાન હતું અને ફારસી, અરબીથી પણ માહીતગાર હતો. પહેલાં તો એ કાલપી, કલિંજર અને રીવાંના રાજાઓની પાસે રહેતો, જ્યારે કબર બાદશાહ પાસે આવ્યો ત્યારે તેને પોતાના ચાતુર્ય અને વિનોદીપણાથી મોહી લીધો અને તે એટલે સુધી કે બાદશાહને બીરબલ વગર ચેન પડતું નહીં.”

રાજાની પદ્વિ.

બીરબલ કેવળ સભાચતુર અને હાઝર જવાબી જ ન હતો, બલ્કે કવિત્વશક્તિ પણ ધરાવતો હતો, તેનાં કાવ્યો તે ઝમાનાને જોતાં ઉત્તમ પંક્તિમાં મૂકી શકાય એમ છે. ઘણીક વેળા તે પોતાના મધુર અને અલંકારપૂર્ણ કાવ્ય વડે બાદશાહને પ્રસન્ન કરી દેતો. તે સમયના કવિ પણ બીરબલની કવિત્વ શક્તિથી ચકિત થઈ જતા. બાદશાહે એકવાર એની એક કવિતાથી અતિશય પ્રસન્ન થઈ “ કવિરાય” ની પદ્વિ આપી અને પછી “રાજા” ની ઉપાધિ બક્ષી પોતાને ત્યાંના અમીરોમાં તેને નિયત કર્યો.”