પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
બીરબલ વિનોદ.


વાર્તા ૬૨.

ગધેડીનો છેક હાથથી ગયો

એક સમયે શાહે બીરબલને કહ્યું કે “જો તું મને આ રાજમહેલની નિસરણીના છેલ્લે પગથીયે પહોંચતાં સુધીમાં હસાવે તો હું તને એક સુંદર ઘોડો ઈનામ આપીશ.” બીરબલે તે વાત કબુલ રાખી એટલે બાદશાહ નિસરણી પર ચઢવા લાગ્યો. બીરબલે હસાવવા માટે અનેક યુક્તિઓ ચલાવી, પણ બાદશાહે મન ઉપર કાબુ રાખ્યો. આખરે બીરબલે બાજી હાથમાંથી જતી જોઈ બૂમ પાડી કે “ગયોરે ગયો, ગધેડીનો છેક હાથથી ગયો.”

આ અપમાનકારક વાક્ય સાંભળી બાદશાહે ઉપર ન ચઢતાં નીચે ઉતરી બીરબલને ધમકાવીને કહ્યું “કેમ, તેં મને ગાળ શામાટે દીધી?”

બીરબલે તરતજ હસ્તદ્વય જોડી કહ્યું “નારે, સરકાર ! આપને માટે એવા નઠારા શબ્દો ઉચ્ચારતાં મારી જીભ ન કપાઈ જાય ? એ તો આપ જ્યારે છેલ્લા પગથીયા સુધી પહોંચી ગયા, એટલે મેં જાણ્યું કે આપે ઘોડો આપવાનો ઈકરાર કર્યો હતો, પણ હું શરતમાં હારવાથી ઘોડો નહીં મળી શકે; એમ ધારીને મેં ઘોડા માટે એ શબ્દો ઉચ્ચાર્યા હતા.”

આ પ્રમાણે નિસરણી પરથી નીચે ઉતારવાની અને હસાવવાની યુકિત ઘડી કાઢવાની ચાતુર્યતા જોઈ, શાહ પોતાના હાસ્યને ન અટકાવી શક્યો અને ખડ્ખડ્ હસવા લાગ્યો. એ જોઈ બીરબલે કહ્યું “કેમ હઝૂર ! આપને હસાવ્યાને !? માટે ઘોડો આપો.” આ સાંભળી બાદશાહે તેને એક ઘોડો આપવાનો હુકમ કર્યો.