પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
બીરબલ વિનોદ.


બૂમ પાડી ઉઠ્યો. બાદશાહે તરતજ પેલા દરબારીને વીંછી ઉતારવાની આજ્ઞા આપી. પેલાઓએ જોયું કે ‘હવે તો આપણે સપડાયા છીએ.’ એટલે બાદશાહને અરઝ કરી “જહાંપનાહ ! વીંછી એવી જગ્યાએ કરડ્યો છે કે એ મંત્ર મુજબ ઉતાર કરવો નીતિ વિરૂદ્ધ જાય છે.” બાદશાહ સમજી ગયો કે કોઈ વાતે દરબારીયોએ બીરબલને સતાવ્યો હોવો જોઈયે અને એથીજ બીરબલે આ લાગ સાધ્યો છે.” એમ વિચારી તેણે સ્હેજ કરડાકીથી કહ્યું “માણસનો જીવ નીકળતો હોય અને તેને ઉગારવાનું આપણા હાથમાં હોય, છતાં આપણે તેને મરવા દઈએ એ નીતિમય છે કે નીતિવિરૂદ્ધ બલ્કે પાપમય ? ! !”

દરબારીયો ચુપ થઈ ગયા, આ બધો વખત બીરબલ મોટે મોટેથી બૂમ પાડતો રહ્યો અને જાણે ખરેખર વીંછી કરડ્યોજ હોય તે પ્રમાણે ચાળા કરતો રહ્યો. દરબારીયોએ બીજો રસ્તો ન મળતાં અરઝ કરી “નેકનામ ! આ કામ નીતિવિરૂદ્ધનું–બેશર્મીનું હોવા છતાં, આપની આજ્ઞાથી તે બજાવી લાવવા અમો તૈયાર છીએ. અમારામાંથી એક માણસ એ કાર્ય બજાવશે, પરંતુ ચારે બાજુ પડદો કરી લેવો જોઈએ.”

બાદશાહે તે વાત કબુલ રાખી એટલે શરત લગાવતી વખતે જે માણસ આગેવાન બન્યો હતો, તેણે બીરબલ પાસે જઈ આજીઝી કરી અને દસ ને બદલે વીસ હઝાર રૂપીયા આપવાની સોગંદપૂર્વક કબુલાત આપી, અને એ પ્રમાણે છુટકારો મેળવ્યો.