જેમ ગમે તેમ વર્તવું અને અમારા તરફથી પણ અમને જે ઠીક લાગશે તેવી ચાલ ચાલીશું.”
આટલા શબ્દો ઉચ્ચારી બીરબલ ત્યાંથી જતો રહ્યો. પણ તેના એ વિચિત્ર અને રહસ્યપૂર્ણ શબ્દો સાંભળીને લોકોના મનમાં ભારે ધાસ્તી ઉત્પન્ન થઈ એટલે તેમણે તરતજ તે કાગળ ફાડી નાંખ્યો. ત્યાર પછી બીરબલ સ્હામે શત્રુતા જાહેર કરવાનું લોકોએ પડતું મૂક્યું.
વાર્તા ૯૮
મૂર્ખ શિરોમણિ.
દિલ્હી નગરમાં એક નિર્ધન, કપર્દિકાહીન બ્રાહ્મણ રહેતો હતો, જે પોતાનું ગુઝરાન ભીખ માગીને ચલાવતો હતો. તેણે મહેતાજીનું મોઢું પણ જોયેલું નહીં અને સાવ અભણ હોવા છતાં, તેના મનમાં પોતાને લોકો પંડિતજી કહીને બોલાવે એવી અભિલાષા રહેતી. મૂળે મૂર્ખનો સરદાર એટલે એ અભિલાષામાં દિન પ્રતિદિન વૃદ્ધિ થતી ચાલી. તેણે એક દિવસે એવો વિચાર કર્યો કે “જો બીરબલ પાસે જઈ હું કાંઈ સલાહ લઈશ તોજ મ્હારી એ પુરાતન અભિલાષા પરિપૂર્ણ થશે.”
વિચાર થતાં જ તેણે માથે પગ મૂકી બીરબલના ઘર તરફ દોટ કાઢી, પણ ત્યાં પહોંચતાં બીરબલ દરબારમાં હોવાની ખબર મળી એટલે ત્યાંજ બેસી રાહ ન જોતાં સીધા દરબાર તરફ કૂચ કરી. અડધે રસ્તે જતાં બીરબલ જોડે ભેટો થયો. તેને જોતાં જ ગોર મહારાજે હાથ જોડીને અરઝ કરવા માંડી "હજૂર ! હું વિદ્યાબિદ્યા