પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૭
આરસીમાં મોહરો.


સ્હવારે જ્યારે તે જાગ્યો, ત્યારે પોતાના પાડોશી આગળ સ્વપ્નું કહી સંભળાવ્યું. પેલા પાડોશીએ પોતાના મિત્રને એ વાત જણાવી. અને એ પ્રમાણે તે વાત કાને કાન ફેલાતાં આખરે તે ગુણિકાના સાંભળવામાં આવી. એ ગુણિકા ઘણી જ લુચ્ચી હતી. તેણે તરતજ પેલા ગરીબ માણસને ઘેર જઈ દસ મોહરની માગણી કરી, પણ પેલો બીચારો ક્યાંથી આપે ? આખરે ગુણિકાએ તેને કોટવાલ આગળ લઈ જઈને ઉભો કર્યો, કોટવાલ શો ઈન્સાફ આપવો તે નક્કી ન કરી શક્યો. તેથી તેણે બેઉ જણને બીરબલની પાસે દરબારમાં મોકલાવ્યા. બીરબલે બન્ને પક્ષનું સાંભળી લીધા પછી, એક મોટો આરીસો મંગાવી તેની પાસે દસ મોહરો એવી રીતે રાખી કે તે અરિસામાં તેનો પડછાયો પડે પછી પેલી ગુણિકાને કહ્યું “આરસીમાં જે મોહરો દેખાય છે તે લઈ જા.”

પેલી ગુણિકાએ કહ્યું “મહારાજ ! એતો પડછાયો છે?”

બીરબલ બોલ્યો “એ પડછાયા જેવી જ તારી ફરીયાદી પણ છે. ”

આ સાંભળી પેલી ગુણિકા ત્યાંથી જવા લાગી, પણ બીરબલે તેને જતી અટકાવી કહ્યું “તેં આ ગરીબ માણસને વગર લેવે દેવે નાહક હેરાન કર્યો છે, તેના બદલામાં તને કાંઈ શિક્ષા થવી જોઈએ. માટે જા તને ફક્ત બે મહીનાની કેદની સઝા કરવામાં આવે છે.”

ગુણિકાને કેદમાં મોકલાવી બીરબલે પેલા ગરીબ માણસને ઘેર જવાની રઝા આપી.