પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
બીરબલ વિનોદ.

બાદશાહે આંગળી બતાવી પૂછ્યું “આ કઈ કોટડીની કુંચીયો છે?”

દાસીએ હાથ જોડીને અરઝ કરી “હુઝૂર ! જે કોટડીમાં જહાંપનાહ (તમે) કેદ હતા એજ કોટડીની આ ચાવીયો છે !! ”

આ ઉત્તર સાંભળી બાદશાહ લાજવાબ બની ગયો અને દાસીને ઘણું જ ઈનામ આપ્યું.

વાર્તા ૧૦૭.

વાત તો હું કરી લઇશ.

એક પ્રસંગે બીરબલ એક અગત્યના કામ માટે બાદશાહના ખાનગી ઓરડામાં દાખલ થયો. બાદશાહે કહ્યું “ બીરબલ ! અત્યારે તમે કેમ આવ્યા ?”

બીરબલ બોલ્યો “હુઝૂર ! એક અગત્યના કામ બાબત આપને થોડુંક પૂછવાનું છે.” બાદશાહે કહ્યું “અત્યારે મ્હને વાત કરવાને અવકાશ નથી, માટે બીજા દિવસ પર મુલ્તવી રાખો. ” બીરબલે વિનોદપૂર્વક ઉત્તર આપ્યો “જહાંપનાહ ! આપ ગભરાશો નહીં, વાત તો હું કરી લઈશ.”

વાર્તા ૧૦૮.

તમારા કેટલા પુત્ર છે ?

એક દિવસે બાદશાહે બીરબલને સવાલ કર્યો કે “ બીરબલ! તારાં લગ્ન ક્યારે થયાં ?” બીરબલે કહ્યું “હુઝૂર! પાંચ વર્ષ થયાં હશે.”

બાદશાહે પુછ્યું “તારા પુત્ર કેટલા છે?”