રૂપીયા બીરબલને ઘેર મોકલી આપવાનો હુકમ આપ્યો.
બીરબલે બાદશાહ પાસેથી એક માસની રજા માગી લીધી
અને જોઈતાં સાધનો સાથે લઈ શાહુકારનો વેષ ધારણ કરી
બીજેજ દિવસે મલ્યાલ તરફજ રવાના થયો. દેશ દેશની
ચર્ચા જોતો, ફરતો ફરતો બીરબલ મલ્યાલ નગરીમાં પહોંચ્યો
અને ત્યાંના મુખ્ય રમણીય બઝારમાં એક મ્હોટું
આલીશાન મકાન ભાડે રાખી રહેવા લાગ્યો, અને ભારે ઠાઠમાઠથી
સરાફીનો વહેપાર પણ શરૂ કરી દીધો.
બીરબલના આલીશાન મકાનની સ્હામેજ આવેલા સરકારી ચબુતરામાં શહેરનો કોતવાલ રહેતો, તેની સાથે બીરબલે મિત્રતા સાંધી અને દિવસાનુદિવસ તેમાં વૃદ્ધી થતી ગઈ. અકબર બાદશાહ જેવાને વશ કરનાર રમુજી પૂતળાંને કોણ વશ ન થાય ? અને વળી પાછી કહેવત છે કે ‘હાથ પોલો એટલે જગત્ ગોલો’ ‘લક્ષ્મી શત્રુને પણ મિત્ર બનાવે !’ પોલિસ અધિકારીને વશ કરવો એ કાંઈ મ્હોટું કામ ન ગણાય. થોડા દિવસમાં તો કોતવાલ સાહેબ બીરબલનોજ ઓટલો રાત દિવસ ઘસતા થઈ ગયા. બીરબલ તો એટલું ઈચ્છતોજ હતો, તેણે નવા નવા પ્રકારના આનંદ અને મોજશોખના મેળાવડા પોતાને ત્યાં ભરવાનો આરંભ કર્યો. ગાનતાનના પણ જલ્સા થવા લાગ્યા અને તેમાં કોતવાલ સાહેબને ખાસ આમંત્રણ થતું; એટલુંજ નહીં બલ્કે, ખુદ કોતવાલ સાહેબની તે કામોમાં સહાયતા પણ લેવાતી. નગરમાં જો કોઈ નવો ગવૈયો આવ્યો હોય અથવા કોઇ નાયિકાની પધરામણી થઈ હોય કે કોતવાલ સાહેબ તેને પાધરી બીરબલ પાસે તેડી લાવે, રંગ