પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૮
બીરબલ વિનોદ.


રાજા સાહેબ પહેરામણની રકમ અગાઉથી મળે તોજ આ લગ્ન સંબંધ કરવા રાઝી થયા છે. થોડીક રકમ તો મ્હારી પાસે છે અને બાકીની રકમ માટે મ્હેં બાદશાહને લખી મોકલ્યું છે, પરંતુ એ રકમ હજુ સુધી આવી શકી નથી અને રાજા સાહેબે આજે જ રકમ માટે માગણી કરી છે. જો આજેને આજે જ એ રકમ ન ભરી આપું, તો કામ બગડી જાય એટલે આપની પાસેથી ફક્ત પચાસ હઝાર રૂપીયાની રકમ લેવા મ્હને અત્યારે આવવું પડ્યું છે. લગભગ આઠેક દિવસમાં કાશિમરથી હુંડી આવી જશે એટલે આપને વ્યાજ સુદ્ધાં હું રકમ ચુકવી આપીશ. જો આટલું કાર્ય કરી આપો તો આપનો મ્હોટો ઉપકાર થશે.”

પેલો શાહુકાર ઘણા દિવસથી આ કાશ્મિરી ગૃહસ્થ વિષે લોકોને મોઢે વાતો સાંભળતો. તેણે તેની વાતમાં વિશ્વાસ રાખી તરત જ ચાર આનાને વ્યાજે રૂપીયા ગણી આપ્યા બીરબલ તેનો ઘણોજ ઉપકાર માની રૂપીયા લઈ ઘેર ગયો.

બીજે દિવસે ભપકાદાર પોષાક પરિધાન કરી, મોતીના હાર વગેરે લટકાવી, ચાર પાંચ સિપાહીયોને સાથે લઈ ભારે ડોળદમામથી એક મ્હોટા દ્રવ્યવાન શેઠ અમીચંદને ઘેર ગયો. શેઠ એ વખતે દીવાનખાનામાં હીસાબ ગણતા બેઠા હતા. બીરબલ થોડીકવાર સુધી સ્હામે ઉભોજ રહ્યો, પણ શેઠે નજર સરખીયે ઉંચી ન કરી, એટલે પછી આવકાર આપવાની કે બેસાડવાની તો વાત જ ક્યાં રહી !! થોડીવાર પછી શેઠે હીસાબ ગણી લઈ ચોપડું ઉંધું માર્યું અને ચસ્મા કપાળે મૂકી બીરબલ સ્હામે જોઈ નમસ્કાર કર્યો અને પાછા તીજોરી ઉઘાડી રૂપીયા ગણવા