પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮

કોઈ ઠેકાણે લશ્કર મોકલવું પડતું, ત્યારે પ્રથમથી જ એવી આજ્ઞા આપવામાં આવતી કે કોઇને પણ નાહક મારવો નહીં; પરંતુ ક્રોધના આવેશમાં મનુષ્યની મતિ ગતિ સ્થિર નથી રહેતી, ધૈર્ય જતું રહે છે. બાદશાહે પણ એ પ્રમાણે ક્રોધાવેશમાં પઠાણોનો ‘કત્લેઆમ’ કરવાની આજ્ઞા આપી દીધી. આ આજ્ઞા રાજા માનસિંહને ખૈબર ઘાટમાં તારીકી પઠાણો જોડે લડાઈ મુલતવી રાખી સ્વાદબુનેર જવાની આજ્ઞા સાથે મળી. એટલે એક તરફથી રાજા માનસિંહ અને બીજી તરફથી રાજા ટોડરમલે પઠાણોનો ‘કત્લેઆમ’ શરૂ કરી દીધો અને જેઓ કેદ પકડાયા તેમને તુર્કસ્થાન મોકલી ગુલામ તરીકે વેચી નાંખ્યા.

બનાવટી બીરબલ.

બીરબલ જ્યારે જીવતો હતો ત્યારે ઘણીવાર પોતાના મરણના ખોટા સમાચાર તે પોતે પ્રસિદ્ધ કરી દેતો, ઘણીવાર દરબારમાંથી કોઈને કાંઈ પણ કહ્યા સાંભળ્યા વગર ચાલી જતો અને ઘણા દિવસ સુધી ક્યાંક સંતાઈ રહેતો; અને જ્યારે બાદશાહ તેને ઘણા દિવસ સુધી ન જોવાથી બેચેન થઈ જઈ, શોધ કરાવતો ત્યારે તે દરબારમાં હાઝર થતો. એવી જ રીતે આ પ્રસંગે પણ જ્યારે, બીરબલના શોકથી બાદશાહ ઘણોજ વ્યાકુળ થતો, ત્યારે તેને કોઈ બીરબલના જીવતા હોવાના સમાચાર પહોંચાડતો. કોઈ કહેતું કે ‘બીરબલ મરણ પામ્યા નથી, બલકે ઘાયલ થઇ બચી જવા પામ્યા છે.’ કોઈ કહેતુ કે ‘મેં બીરબલને સન્યાસીના સમૂહમાં કથા વાંચતા જોયા છે.’ વળી કોઈ યાત્રી આવીને ખબર આપતો કે ‘હું હમણાંજ જ્વાલાજીથી આવ્યો છું, જ્યાં બીરબલને મેં યોગીના વેષમાં યોગીયો સાથે જોયો છે.’ સારાંશ એજ કે નિત્ય નવી નવી ગપ ઉડતી, બાદશાહનું વ્યાકુળ મન દરેક વાતને કબુલ કરી લેતું અને કોઈ કોઈ વેળા બાદશાહ પોતેજ કહેતા કે “તે સંસારિક સંબંધોથી અલગ અને ઘણો જ લજ્જાશીલ હતો, એટલે પરાજ્યથી લજ્જિત બની યોગી બની ચાલ્યો ગયો હોય તો તે સર્વથા બનવા યોગ્ય છે.”