પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૬
બીરબલ વિનોદ.


એટલે એને તો સંભારવાજ શા માટે જોઈએ ? મારે હવે તો આ નિરપરાધી મનુષ્યને ફાંસીચે લટકતો બચાવી લેવો, એજ સજ્જનનું લક્ષણ ગણાય. જો કે પૈસા સંબંધી પુષ્કળ તાણ છે, છતાં એને છોડાવી એના પર ઉપકાર કરવો જોઈએ.” એમ વિચારી શેઠ ઘરમાં ગયા અને તિજોરી ઉઘાડી તો ફક્ત બે હઝાર રૂપીયાજ રોકડા નીકળ્યા. એવામાં તેમનાં પત્નીએ આવી પુછ્યું “ વ્હાલા ! બ્હાર શી ધમાલ ચાલે છે ?”

શેઠે તેને બધી વાત કહી સંભળાવી. દયારામની પત્નિ પણ દયાદેવી, એટલે તેણે પણ શેઠના વિચારોને વધુ પુષ્ટિ આપી. દયારામે ખુશ થઈ. ઘરમાંથી બ્હાર આવી સિપાહીયોને અમુક રકમ આપી બીરબલને પોતે રાજા પાસેથી પાછા ફરે ત્યાં સુધી જીવતો રાખવા સૂચવ્યું, અને દરબાર ગઢ પ્રતિ પ્રયાણ કર્યું. રાજા તે વખતે દરબાર ભરીને બેઠો હતા. દયારામે દરબારમાં દાખલ થઈ રાજાને દંડવત્ કરી હાથ જોડી અરઝ કરી કે “મહારાજ ! કોઈ ગૃહસ્થને આજે ફાંસીની આજ્ઞા અપાઈ છે, પરંતુ તેની તપાસ કરવામાં આવી નથી. તે અપરાધી છે કે નિરપરાધી એની ખાત્રી કર્યા વિનાજ શિક્ષા ફરમાવવામાં આવી છે. માટે આપ એની તપાસ કરો અને પછી જો તે અપરાધી ઠરે તો હું આપનું અપમાન કરવા બદલ દરેક દંડ આપીશ.”

રાજાના મનમાં તે વાત ઉતરી, તેણે માણસને બોલાવી તરતજ હુકમ કર્યો કે “આજે જે માણસને ફાંસીની શિક્ષા કરવામાં આવી છે અને કોતવાલ સ્મશાનભૂમિ તરફ લઈ ગયો છે, તેને તરત જ અહીં લઈ આવો.”