પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૧
રજપૂતાણીનું પતિવૃત


પોતાની સ્ત્રીની પવિત્રતાનો ખ્યાલ સરખોયે મનમાં નહીં લાવે. સાંભળો, રાણીની ડાબી જાંગ ઉપર ત્રણ કાળા તલ છે !!” કાણીયો ચુપ થયો. અમરસિંહની નઝરો નીચી નમી ગઈ. બાદશાહ તેમજ બધા સભાસદોની હવે સંપૂર્ણ ખાત્રી થઈ ગઈ કે કાણીયાએ રાણીના સતીત્વનો અવશ્ય ભંગ કરેલો હોવો જ જોઈએ, નહીં તો શરીરના ગુપ્ત ભાગનાં ચિન્હો એ ક્યાંથી બતાવી શકે ?!

બાદશાહે અમરસિંહે આપેલા વચન પ્રમાણે તેને દેહાન્ત દંડની શિક્ષા કરવાની સભાસદો પાસે સલાહ માગી. અમરસિંહ બોલ્યો “નામદાર ! આપે હવે સલાહ લેવાની આવશ્યકતા નથી. મ્હારી સ્ત્રીની અપવિત્રતા સિદ્ધ થયા પછી આ જગતમાં મ્હારે માટે જીવવું અત્યંત નામોશી ભરેલું છે. હું અત્યારેજ ફાંસીયે લટકી જવા તૈયાર છું. પણ એક ઉમ્મેદ રહી છે તે જો આપ આજ્ઞા આપે તો કહું.”

બાદશાહે કહ્યું “ અમરસિંહ ! મ્હને તમારા જેવા વિશ્વાસુ માણસને ખોઈ બેસવાનો ખ્યાલ આવતાં લાગી આવે છે, પરંતુ મરદનાં વચન મિથ્યા ન જાય એજ મ્હોટો વાંધો છે. ખેર, તમારી શી ઉમ્મેદ છે તે કહી સંભળાવો.”

અમરસિંહે કહ્યું “હુઝૂર ! મ્હને મ્હારી સ્ત્રી ઉપર ઘણોજ વિશ્વાસ હતો અને આપના દરબારમાં દુષ્ટા સાબિત થઈ, માટે મ્હારે તેને ધિક્કાર આપવો છે, જો આપ આજ્ઞા આપો તો મ્હારે ગામ જઈ મ્હારી ઉમ્મેદ પૂર્ણ કરું.”

બાદશાહે કહ્યું “અમરસિંહ ! એમ ન બની શકે ! હાલમાં તમે અહીંથી મુક્ત થઈ તમારે ગામ જાવ અને ત્યાં તમારા મનમાં કાંઈ જુદોજ ખ્યાલ આવતાં સ્ત્રીને