પૃષ્ઠ:Birbal Vinod.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૬
બીરબલ વિનોદ.


ઢંઢેરા પ્રમાણે ચતુરાઈ દેખાડવા આવ્યો છે એમ તેણે કહેતાં દરબાને એક સિપાહીને સાથે આપીને અંદર મોકલ્યો.

સભાગૃહના દ્વારપર તેને ઉભો રાખી સિપાહીએ અંદર જઈ બાદશાહને સર્વ હકીકત કહી સંભળાવી. બાદશાહે તેને અંદર મોકલવાનો હુકમ કર્યો. પેલો માણસ તરતજ સિપાહીના કહેવાથી દરબારમાં દાખલ થયો. તેનો આ વિચિત્ર વેશ જોઈ બધા આશ્ચર્ય સાથે મનમાં હસવા પણ લાગ્યા. પેલાએ તો બાદશાહની સ્હામે પણ ઉભીને ધાણી ફાંકવાનું ચાલુ જ રાખ્યું.

બાદશાહે તે કોણ છે તે વિષે પૂછવા વઝીરને સૂચના કરી. વઝીરે પેલા ગામડીયાને પૂછ્યું “અલ્યા, તું કોણ છે ?”

પેલાએ ધાણી ફાંકતા ફાંકતા જવાબ આપ્યો “માણસ છું.”

વઝીરે સ્હેજ ગુસ્સાથી પૂછ્યું “એતો અમે પણ દેખીયે છીયે કે, તું માણસ છે. પરંતુ કેવો માણસ છે ?”

“બે પગવાળો.” પેલાએ ઠંડે પેટે જવાબ આપ્યો.

વઝીર આ જવાબથી વધુ ચીરાડાયો. તેણે કરડાકીથી પૂછ્યું “અલ્યા, તું કોઈ અનાડી છે ?”

પેલો બોલ્યો “ના સાહેબ, નર છું.”

વઝીરે વિચાર્યું કે, ગામડીયો છે એટલે સમજતો નહીં હોય, માટે લાવ લગાર સમજાવીને પૂછું – “પરંતુ, તું કઈ જાતનો છે ?”