પૃષ્ઠ:Birbal Vinod.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭

બીરબલની સંતતિ.

રાજા બીરબલની સંતતિ વિષે પૂરેપૂરો ખુલાસો મળતો નથી “અકબરનામા” અને “ઈકબાલ નામએ જહાંગીરી"માં લાલા અને રિહરરાય એ બે પુત્રોનાં નામ આવે છે. લાલા વિષે લખ્યું છે કે “તે ઘણો જ ઉડાઉ હતો, જ્યારે માસિક વેતનમાં તેનાથી પોતાનું ખર્ચ ચલાવી ન શકાયું, ત્યારે બાદશાહની રજા લઈ સંવત ૧૬૫૮ માં શાહઝાદા સલીમ પાસે ચાલ્યો ગયો. રિહરરાય બાદશાહની સેવામાંજ રહેતો હતો. સંવત ૧૬૫૯ માં શાહઝાદા 'દાનીયાલને લેવા માટે તેને આગ્રાથી દક્ષિણમાં મોકલવામાં આવ્યો હતો.

રાજા બીરબલના મરવા પછી બાદશાહે બીરબલના પુત્રને (જે સંસ્કૃત ભાષાનો મહાવિદ્વાન હતો) પૂછ્યું “રાજા સાથે કેટલી રાણીયો સતી થઈ?” ત્યારે તેણે ઉત્તરમાં નિવેદન કર્યું “ જહાંપનાહ ! વીરતા, બુદ્ધિમાની અને ઉદારતા એ ત્રણે સતી થઈ ગઈ અને પ્રશંસા જીવતી છે.” બાદશાહ આ ઉત્તરથી અત્યંત પ્રસન્ન થયો અને કહ્યું “બરાબર છે, એને તો રહેવું જ જોઈએ. એના જીવતા રહેવામાં દોષ નથી, બલ્કે એના મરવામાં દોષ છે.”

રાજા બીરબલ, અમે જણાવી ગયા તે પ્રમાણે અજબ વિદ્વત્તા ધરાવનાર પુરૂષ હતો. અકબરના દરબારમાં મોટા મોટા જાણીતા વિદ્વાનો અને શૂરવીરો વગેરે અનેક પ્રકારના માણસો રહેતા હતા, છતાં રાજા બીરબલનો કદિપણ કોઇથી પરાજય થયો નહતો. જે વાત એના મોઢામાંથી નીકળતી, તેને સાંભળીને બધા દિંગ્મૂઢજ બની જતા અને કોઈ કોઈ વેળા તો મોટા મોટા વિદ્વાનો અને કવિઓને લજ્જિત ૫ણ થવું પડતું.

બીરબલના વિનોદ વચનો વાંચવા, સમજવા અને તે ઉપરથી થોડું ઘણું યથાબુદ્ધિ અને યથાશક્તિ જ્ઞાન કેળવવાની વાંચકોની તીવ્ર ઉત્કંઠાને વધુ વખત રોકી ન રાખતાં આ સંક્ષિપ્ત, છતાં ખુલાસાવાર જીવનચરિત્રને અત્રેજ સમાપ્ત કરીયે છીયે,