પૃષ્ઠ:Birbal Vinod.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીરબલ વિનોદ


થઈ બોલી ઉઠી “ એ મૂવા બેવકૂફના સરદારને ધકકા મારી બ્હાર કાઢ અને પાછી બજારમાં જઈ, બરાબર પરિક્ષા કરી કોઈ ચતુર નરને શોધી લાવ.” આ હુકમ મળતાંજ દાસીએ બાદશાહને ઘરની બહાર કાઢી મૂક્યો અને પોતે પાછી બજારમાં ગઈ. બાદશાહ એથી વિચારમાં પડી ગયો, તે મનમાં કહેવા લાગ્યો “કેવા ઉમંગથી તે મને અહીંયાં લઈ આવી હતી અને એવું તે શું કારણ બન્યું જેથી આવા કઠોર અપમાન સહિત મને પાછો બ્હાર કાઢયો? અવશ્ય, એમાં કાંઈ ભેદ હોવો જોઇયે. માટે લાવ, ચુપકીથી દ્વાર ઉઘાડી અંદર સંતાઈ જાઉં અને હવે બીજો કેવો ચતુર નર આવે છે અને તેના શા હાલ થાય છે એ તો જોઉં?!” એમ મનમાં વિચાર કરી તે પાછો પેલા મકાનમાં છુપી રીતે દાખલ થઈ એવે ઠેકાણે સંતાઈ બેઠો જ્યાંથી બધું દેખાઈ આવે.

આ તરફ દાસી બજારમાં જઈ લેકોને બારીકીથી નિહાળતી હતી. બીરબલ પોતાના મિત્રમંડળ સાથે મેળા- માંથી રાત્રિ વિશેષ જવાથી પાછો ફર્યો. શહેરમાં દાખલ થતાં જેમ જેમ પોત પોતાના મકાનો આવતાં ગયાં તેમ તેમ મિત્રો છુટા પડતા ગયા. છેવટે બીરબલ પોતે એકલો પોતાના ઘર તરફ ચાલ્યો જતો હતો, તેવામાં પેલી દાસીએ તેની પાસે જઈ કહ્યું “તમે લગાર મારી સાથે આવો.” બીરબલ તેની સાથે થોડે દુર ગયો એટલે દાસીએ પ્રથમ મુજબ તેને પણ શેઠાણીનો અહેવાલ કહી સંભળાવ્યો. રસિક તો રસ લુંટવા માટે સદા તત્પર જ હોય એટલે બીરબલ જેવો વિહારી શેની ના પાડે? તેણે 'હા' કહી એટલે દાસી