પૃષ્ઠ:Birbal Vinod.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
બીરબલ વિનોદ.

અન્યાય રહેલો ન કહેવાય? વિયોગની ઘડીયો અમો કેવી દુઃખી અવસ્થામાં – કેવા કેવા વિચારો વચ્ચે ગાળીયે છીએ તે કાંતો અમે જાણીયે કાંતો પરમેશ્વર જાણે, અન્ય કોઈને તેનો શો ખ્યાલ આવે એમ છે ? કૃપાનાથ! આજે કેટલે મહીને આપ યુદ્ધમાંથી પાછા ફરી અમને દર્શન આપી શક્યા છો ? એ દરમિયાન કામદેવે અમને કેવા કેવા પ્રકારે પીડા પમાડી ? ! ! માટે હવે તો થોડાક મહીના આપ અમારી સાથેજ રહી રાત દિવસ આનંદ મોજ ઉડાવો એટલે અમને પણ સંતોષ મળે.

આ સાંભળી બાદશાહ બોલી ઉઠ્યા “પ્રિયે ! આ શું બોલો છો ? શું દર વખતે લડાઈમાં જ રોકાવું પડશે ? એતો કોઈ પ્રસંગે જવાનું પણ થાય. જો હું રાત્રિ દિવસ રંગ- મહેલમાંજ પડ્યો રહી આનંદમાં સમય ગાળું તો મારી રૈયતના શા હાલ થાય? રાજા ઉંઘણસી હોય તો રાજ્ય ક્યાંથી ચાલે? મેળવેલી બધી કીર્તિ અપકીર્તિમાં ફેરવાઈ જાય. એમાંયે વળી આઠ દસ દિવસની વાત હોય તો ચાલે પણ તમે તો મહીનાઓનોજ પ્રસ્તાવ આગળ ધરો એ કેમ ચાલે ? જે સમય શિકારમાં ગાળું છું તે હવે તમારી વચ્ચે વ્યતિત કરીશ.”

પટરાણી બોલી “આલમ પનાહ! એક દરબારી આપની પાસે કાંઈ નિર્જીવ માગણી કરે છે તો તે પણ આય માન્ય રાખો છો, એટલે અમો સૌની યાચનાને અફળ કરશો એવો અમને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો. પરંતુ આપ હવે ક્યાં છટકી શકો એમ છો ? અમે અહીંથી તમને જવા દેશું ત્યારે આપ જશોને ? ”