પૃષ્ઠ:Birbal Vinod.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩
ગંગનું ચાતુર્ય.

તેને મારી હટાવવો મહામહેનતનું કામ થઈ પડશે. તેમાંયે વળી એક શત્રુ હોય તો ઠીક, પરંતુ આતો ચારે બાજુએથી શત્રુઓ ફાટી નીકળશે, માટે હવે તો જહાંપનાહને ગમે તે ભોગે પણ શોધી કાઢવાજ જોઈયે.

ટોડરમલ બોલ્યો “પરન્તુ, દીવાનજી ! મહેલના ભાગ સુધી તો તમને જવાની સત્તા છે, માટે ત્યાં સૂધી જઈને તપાસ તો કરી જૂઓ?”

બીરબલે કહ્યું “આપના કહેવા પહેલાં જ મેં તે પ્રમાણે કરી જોયું છે, પણ દાસ દાસીઓ સુદ્ધાં પત્તો આપી શક્યા નથી.”

કવિ ગંગ બોલી ઉઠ્યા “દીવાનજી ! બાદશાહના દર્શન કરવા માટે મારૂં મન કેવું તલ્પે છે એતો આપ જાણો છોજ ? ચાર મહીનાથી બાદશાહની શોધમાંજ રાત દિવસ મેં ગાળ્યો છે, પણ ગઈ કાલે હું ફતેહ પામી શક્યો અને કાલેજ મને બાદશાહનાં દર્શન થયાં.”

આ સાંભળી બધા દરબારીઓ એકી અવાજે બોલી ઉઠ્યા “ ક્યાં દીઠા ?”

ગંગે કાંઈક મગરૂરીથી કહ્યું “કમલા રાણીના મહેલમાં.”

બીરબલ બોલ્યો “બરાબર છે. રાણીયોની મોહિનીમાં લપટાયલો બાદશાહ દરબારમાં ક્યાંથી જ આવે ?”

ગંગે કહ્યું “મેં જીવના જોખમે બાદશાહનું ઠેકાણું તો શોધી કાઢ્યું, પરંતુ ત્યાંથી બાદશાહ બ્હાર કેમ આવી શકે એજ એક ભારે સવાલ છે.” બીરબલે ગંગને પાણી ચઢાવવા કહ્યું “પરંતુ કવિરાજ ! એ કાર્ય તમથી ન બને એતો માની જ કેમ શકાય?”