પૃષ્ઠ:Birbal Vinod.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
બીરબલ વિનોદ.


ટોડરમલે પણ બીરબલની વાતમાં ઉમેર્યું “આતો અમર યશ ખાટવા જેવો પ્રસંગ છે, લાખો મનુષ્યો ઉપર મહા ઉપકાર કરવાનું કાર્ય છે. માટે કવિજી ! આપ એ કાર્યને જલ્દીથી ઉપાડી લ્યો.”

ગંગ બોલ્યા “શું, આવી રીતે પાણી ચઢાવી મારો જીવ ખોવરાવવાનો તમોએ વિચાર કર્યો છે ?”

ખાનખાનાન બોલ્યો “કવિશ્રી ! એમાં તે વળી જીવ ખોવાનું શું હતું? અને તે પણ વળી તમારા જેવા પુરૂષ માટે ? ના ના, એતો માની શકાય એમ નથી. જો બાદશાહ કદાચ ગુસ્સે થશે તો પણ તમને જોઈને માફી આપશે. આ કાર્ય ખરેખર અમરયશ મેળવવાનું છે, માટે તમે જરૂર તેને પૂર્ણ કરો.”

ગંગે છટકી જવા બારી શોધવા માંડી, તેણે કહ્યું “પણ રાણીનો કાંઈ વિચાર કર્યો ? તેઓ પોતાના નાજનખરાંથી બાદશાહને આંજી નાખે અને પોતાની મધુરી વાણીથી બાદશાહના કાન ભંભેરે એટલે મારો તો બેડો જ પાર અને બીચારા બાલબચ્ચાં રખડી મરે. એ સિંહની સાથે રમત કરવાની છે, કાંઈ સ્હેલ વાત નથી !”

બીરબલ બોલ્યો “જો એકવાર બાદશાહ બેગમોના પંજામાંથી છૂટો થયો તો પાછો ફસાવાનો નથી એ તમે નક્કી માનજો. એતો કોણ જાણે આ પ્રસંગે પણ કેમ ફસી ગયા?!”

રાજા માનસિંહ બોલ્યા “કવિશ્વર ! તમે આટલા બધા ના હીંમત કેમ થાઓ છો ? કવિઓનું તો કામ જ બીજાને શુરાતન ચઢાવવાનું છે. આગળના સમયમાં તો રાજાઓની