પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૩
નળાખ્યાન

રહે આપાઅપણે સાજે, હાર ગુંથતી કન્યા કાજે;
એમ જોયો હેઠલો માળ, પછે બીજે ચડ્યો ભૂપાળ.
ત્યાં દાસીનું જિથ જોયું, પછે ચડ્યો જ્યાં ત્રીભોયું;
વસે છે દમયંતી નારી, સહસ્ત્ર દાસી સેવા કરનારી.
કેટલી ગાન કરે સ્વર ઝીણા, કો નાચે વજાડે વીણા;
વાતે રીજવતી ચતુરસુજાણ, કેટલી કરતી કન્યાનું વિખાણ.
એકાંત ત્યાં છે ઓરદી, હીંડોળે હીર દોરડી;
હરિવદની બેઠી હીંચે, દાસી કેશમાં ધૂપેલ સીંચે.
કિંકરી પાસે માથું ગુંથાવે, કહે સેંથો રખે વાંકો આવે;
ભીંત માંહે જડીઆ ખાપ, વણ ધરે દીસે છે આપ.
આગળ દમયંતી પાછળ દાસી, સાહામાં પ્રતિબિંબ રહ્યાં પ્રકાશી;
મુખકમળ કન્યાનું ઝળકે, સામો ચંદ્ર બીજો જાણે ચળકે.
શોભે નારી જોબનધામ, મુખે નળરાજાનું નામ;
એવું ભૂપતિએ રૂપ જોયું, મોહબાણે મનડૂં પરોયૂં.
અંગરંગથી આડો આંક, મોહ્યા દેવતણો શો વાંક;
ચારમાં કોનું ભાયગ ભળશે, રત્ન આ કર કોને ચઢશે.
મુને પરણત મનની રુચે, અંત્રાઈ થયા દેવ આવી વચે;
ભલું ભાવી પદાર્થ થયો, નળે વિવેક મનમાં ગ્રહ્યો.

વલણ

ગ્રહ્યો વિવેક શોકને તજી, જ્ઞાન તે હૃદયે ધરેરે;
સત્ય પોતાનું પાળવા, દેવનું માગું કરેરે;

કડવું ૨૦ – રાગ:સામેરી.

બેઠી દમયંતી શીશ ગુંથાવા, સ્વયંવરને સાંતરી થાવા;
સામી ભીંતમાં જડી છે ખાપ, વણ ધરે દીસે છે આપ.

ઢાળ

આપ દીસે વણ ધરે, પ્રતિબિંબ જોતી દૃષ્ટ;
દાસી ને દમયંતી બેઠાં, નળ આવી રહ્યો છે પૃષ્ઠ,
પ્રતિબિંબ પડ્યું દર્પણમાં, પ્રેમદાએ દીઠો પૂર્વ;
ગઈ ખુણે નાહાસી તેડી દાસી, શું બેસી રહી છે મૂર્ખ.