પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૦
પ્રેમાનંદ

સભા નવ સમજી ઋતુપર્ણની, રહ્યાં મસ્તક ડોલીરે;
બાળબીહામણો ઘોડારમાંહેથી, બાહુક ઉઠ્યો બોલીરે.
સ્વરુપ જોઇ હું છળ્યો છઉં, સ્વપ્નામાં બીહાવેરે;
નાઠો આવ્યો છઉં ફરી ફરી જોતો, રખે પૂંઠેથી આવેરે.
ભૂત પિશાચ કે જમકિંકર, પ્રેત અથવા રાહુરે;
અયોધ્યામાં રોતાં રાખવા, બાળકને તે હાઉરે.
તેણે ટહેલનો ઉત્તર આપ્યો, કાંઇ સ્વાદ ઇન્દ્રિનો વાંકરે;
કહે વસ્ત ખોટી થઇ નિવડી, શું કરે વોહોરતીઓ રાંકરે.
પિયુજનથી પેટ જ વહાલું, તેનો સંગ તે માઠોરે;
બેહુને દુઃખ સરખાં હોશે, કહી ઘોડારમાં નાઠોરે.
એ બોલી તો બાહુકીઆની. જુઓ વિચારી બાઇરે;
મર્મવચન સુણી મહિલાનું, હૃદે આવ્યું ભરાઇરે.

વલણ.

ભરાયું હૃદે રાણીતણું, ને આંસુ મૂક્યાં રેડીરે;
બાહુક નોહે એ નૈષધપતી, સુદેવ લાવો તેડીરે.

કડવું ૫૨ મું – રાગ સોરઠી મારુ.

આંસુ ભરીને કામની કરે, વાણીનો વિચાર, ગુરુજી;
એ નોહે બાહુકના બોલડા, હોયે વીરસેન કુમાર, ગુરુજી.
એ જીવન પ્રાણાધાર, ગુરુજી, જાઓ મા લગાડો વાર, ગુરુજી.
ભ્રાંત પડે છે રુપની, તે પ્રગટ્યાં મારાં પાપ, ગુરુજી.
રુપ ખોયું કહીં રાયજી, એ કોણે દીધો હશે શાપ, ગુરુજી.
મારા જાએ તનના તાપ, ગુરુજી, તમવડે થાય મેળાપ, ગુરુજી.
અશ્વરક્ષકનો નોહે આશરોરે, જાણે અંતરની વાત, ગુરુજી.
બોલેબોલ જ મારીઓરે, નોહે ઘોડારીઆની ઘાટ, ગુરુજી.
હું જાણું બોલ્યાની જાત, ગુરુજી, હોય પુષ્કરજીનો ભ્રાત,ગુરુજી.
પુનરપિ જાઓ તેડવારે, જીવન વસે છે જાંહે, ગુરુજી.
પરીક્ષા એ પુણ્યશ્લોકની, એકે દિવસે આવે આંહે, ગુરુજી.
જાઓ અયોધ્યામાંહે, ગુરુજી, હવે બેસી રહ્યા તે કાંહે, ગુરુજી.
જઇ કહો ઋતુપર્ણ રાયને, તજી વૈદર્ભી નળ મહારાજ, ગુરુજી.
સ્વયંવર ફરી માંડિયોરે, છે લગ્નનો દહાડો આજ, ગુરુજી.