પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૯
નળાખ્યાન

કડવું ૬૦ – રાગ:છંદ ભુજંગીની ચાલ

દેહ દેહ વિજોગની વ્રેહજ્વાળા, મારે મર્મનાં બાણ પૂછે પ્રશ્ન બાળા;
તારી બુદ્ધિ બાહુક બળવંત દીસે, કાંઈ જાણવા ભેદ મમ મંન હીસે.
દિસે શારદા વાસ તમ જીભ અગ્રે, ભલું કીધું પધાર્યા ભીમક નગ્રે;
વિનય યુક્ત દિસો સર્વે સિદ્ધિવાન, ભૂત ભવિષ્ય જાણો તમો વર્તમાન.
એક શોભિતા પુરુષ તે મૂર્ખ મોટા, જેવા સીપમાં મોતીના દાણા ખોટા;
એક રુપહીણ પુરુષ બહુ ગુણ ભરિયા, જેમ સાચા હીરા રજુજુગ્ત કરીયા.
બાહુક બાપના સમ જો વૃથા ભાખું, તમ ઉપર વિસ્વ ઓવારી નાખું;
ઈંદ્રવારુણીનાં ફળ કરવાં સાયે, પણ ભક્ષ કરતાં તેના પ્રાણ જાયે.
એક રુપવંત નારી કો નર નીરખ્યો, તેજવંત શોભે કોટિ કંદર્પ સરખો;
ધરે છત્ર સર્વત્ર જેની આણ વરતે, કરે નવનવા ભોગ જન નિત્ય પ્રત્યે.
એવા પુરુષને મોહી કોઈ નાર પહેલી, તપ તેજ સરખી જીવે ગર્વ ઘેલી;
વર અમર મુનિવરતણી આશ ત્રોડી, પંખીરાજનાં વચનપર પ્રીત જોડી.
તજ્યાં માત ને તાત પીયર પડોશી, નવ જાણ્યું જે નાથજી છે સદોષી;
સોંપ્યાં તન મન પ્રાણ નિર્દોષ જાણી, સુણો બાહુકજી કહું કર્મ કહાણી.
જેમ પારધિ કપટના કણ ચણાવી, પાડે પંખીને ફંદમાં સ્નેહ જણાવી;
વેધે મૃગને જેમ ઘંટા વજાડી, તેમ પ્રેમદા પ્રેમને પાશ પાડી.
બહુ રંગ વિલાસનાં સુખ દેખાડી, ગયા હાડ અંતે તે વિપત્ત પાડી;
જ્યાં કંદ ને મૂળ નહીં ફળ પાણી, તેવે ઠામ મૂકી કરી અનાથ રાણી.
ન કોયે કરે એવું કર્મ કીધું, અપરાધ પાખે ઘણું દુઃખ દીધું;
શત ખંડ કીધી તે વિજોગ શસ્ત્રે, ફરી વનમાં તારુણી અર્ધ વસ્ત્રે.
ત્રણ દિવસ ત્રણ રયણી વનમાંહે ભટકી, નિર્દય નાથને વાત શી મન અટકી;
ગ્રહી અજગરે સુંદરી શિથિલ કીધી, મળ્યો પારધિ ઈશ્વરે રાખી લીધી.
કહી ડાકિણી શાકિણી ને સિંહારી, પાશ પહાણ પાટુ બહુ માર મારી;
પરાધીન થઈને નીચું કામ કરિયું, ધરી દાસી નામે દુર્ભર ભરિયું.
ચહડી ચોરી માથે મોતી માળકેરી, કરતાં પ્રીત વહાલાં થયાં સર્વ વેરી;
ત્રણ વર્ષ નાખ્યાં શ્વેત વસ્ત્ર પહેરી, નહીં કુંકું કાજળ નહીં નાડું નેહેરી.
હવિષ્યાન્ન પરાધીન અન્ન પામી, તોયે તેણીએ ન તજ્યો નિજ સ્વામી;
તપ નિયમ રાખી નિજ દેહ બાળ્યો, ગૃહસ્થરાજની નારે સંન્યાશ પાળ્યો.
કહો બાહુક રાય એ ધર્મ કેવો, ઘટે નાથને એવો છેહ દેવો;
સર્વ પાપમાં શ્રેષ્ટ વિશ્વાસઘાત, તેને પૂછશે કહો કાંઈ વૈકુંઠનાથ.