પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નરસિંહ મેહેતો

ધેન દોહોવી ઘેરરે, વાછરૂ વલવલે, મહીરે વલોવવું આજ માહારે;
કંઠથી બાહર કાઢિ કમલાપતિ, કાલ આવે હવે કોણ તારે.
સુરત સંગ્રામની, શાંતિજ હુઈ, રહીરે ઉજાગરી, શીશ નામી;
નરસિંહાચો સ્વામી સુખસાગર પોઢિયો, વિરહની વેદના ત્યારે વામી.

પદ ૧૦ મું

અમશું કપટતણી વાતજ છાંડ, મારે ઘેર આવો તો,
કાંઈ ઉફાંડ મ માંડ, મારે ઘેર આવો તો.
જુઠાં જુઠાં મ બોલીશ, જાણું તારી વાત;
નીશા વશી રમી નાહાશી, આવ્યો છે પ્રભાત.
અંગચેહેન તારે દીસે છે ઘણાં, જોઈને વીમાસી બોલે ચતુરસુજાણ;
ઘેર આવ્યોરે શેં ન દીજે માન, નરસઈઆચો સ્વામી સુખનું નિધાન. મારે.

પદ ૧૧ મું

સમીરે સાંજના સોડમાં સુતાં, નણદલીએ સાદ કીધો રે;
હવું પ્રભાત પીયુ થયો ઘેલો, ઉંઘરેટો જઈ સૂતોરે.
હરિનું પીતાંબર સેજે રહ્યુંરે, પાલટીને પટફૂલ ગયો;
ક્યમ કદી વનજાઉંરે મહી વેંચવા, દુરિજન લોકબોલ કહ્યો રે.
દીઠડે ડાઢ ગળે, અસતીઆ બહુ બળે, તો અભિમાન શું કરીએ;
નરસિંહાચો સ્વામી ભલે મળિયો, ભવસાગર ઉતરીએરે.

પદ ૧૨ મું

ટળતો ટળતો હીંડીશ મારે, આલિંગન દીધા વિના ક્યમ સરેરે;
આગે અમ ઘર નણદલ જુઠી, ઉઠીને અદેખી હરેરે.
સાસુ સસરો માત પીતારે, જે બોલે તે સહીએરે;
પૂર્વે એશું અનુભવ છેરે, તો મૂકી ક્યમ જઈએરે.
એ રસ જાણે જવલ્લોરે જોગી, કે વળી મુનિવર જાણેરે;
શુક સનકાદિક નારદ જાણે, જેને વેદ વખાણેરે.
એ રસ જાણે વ્રજનીરે નારી, કે દેવે પીધોરે;
ઉગરતો રસ ઢળતો હૂતો, નરસિંહીએ ઝોંટીને લીધોરે.

પદ ૧૩ મું

કેસરભીનાં કાનજી, કસુંબે ભીની નાર;
લોચન ભીનાં ભાવશું, ઊભાં નંદદ્વાર.