પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૦
પ્રેમાનંદ

લક્ષ્મણા તંબોળને લાવે રે, સત્યભામા બીડી ખવરાવે રે;
હરિ પોઢ્યા હિંડોળાખાટ રે, પાસે પટરાણી છે આઠ રે.
બીજી સોલ સહસ્ત્ત્ર છે શ્યામા રે, કો હંસગતિ, ગજગામા રે;
મૃગનેણી કોઈ ચકોરી રે, કો શામલડી, કો ગોરી રે.
કો મુગ્ધા બાલકિશોરી રે, કો શ્યામછબીલી છોરી રે;
ખળકાવે કંકણ મોરી રે, ચપળા તે લે ચિત્ત ચોરી રે.
કો ચતુરા સંગત નાચે રે, તે ત્યાં રીઝવી સંગમ જાચે રે;
હરિ આગળ રહી ગુણ ગાતી રે, વસ્ત્ર બિરાજે નાના-ભાતી રે.
ચંગ મૃદંગ ઉપંગ ગાજે રે, શ્રીમંડળ વીણા વાજે રે;
ગંધ્રવીકળા કો કો કરતી રે, ફટકે અંબર કરમાં ઘરતી રે.
ચતુરા નવ ચૂકે ચાલ રે, હીંડે મરમે જેમ મરાલ રે;
મેનકા-ઉર્વશીની જોડ રે, તેથી રીઝ્યા શ્રીરણછોડ રે.
એમ થઈ રહ્યો થૈથૈકાર રે, રસમગ્ન છે વિશ્વાધાર રે;
એવે દાસી ધાતી આવી રે, તે નાથે પાસે બોલાવી રે.
બોલી સાહેલી શીશ નામી રે; 'દ્વારે દ્વિજ ઊભો છે, સ્વામી રે!
ન હોય નારદજી અવશ્યમેવ રે, ન હોય વસિષ્ઠ ને વામદેવ રે.
ન હોય દુર્વાસા ને અગસ્ત્ય રે, મેં તો જોયા ઋષિ સમસ્ત રે;
ન હોય વિશ્વામિત્ર ને અત્રિ રે, નથી લાવ્યો કોની પત્રી રે.
દુ:ખે દરિદ્ર સરખો ભાસે રે, એક તુંબીપાત્ર છે પાસે રે;
પિંગલ જટા ને ભસ્મે ભરિયો રે, ક્ષુધારૂપિણી સ્ત્રીએ વરીયો રે.
શેરીએ ઊભા થોકેથોક રે, તેને જોવા મળ્યા બહુ લોક રે;
તેણે કહાવ્યું કરીને પ્રણામ રે; મારું સુદામો છે નામ રે.
જ્યારે દાસીનો બોલ સાંભળિયો રે, 'હેં હેં' કરી ઊઠ્યો શામળિયો રે;
'મારો બાળ સ્નેહી સુદામો રે, હું દુખિયાનો વિસામો રે.'
ઊઠી ધાયા જાદવરાય રે, મોજાં નવ પહેર્યાં પાય રે;
પીતાંબર ભોમ ભરાય રે, જઈ રુક્મિની ઊંચું સાહ્ય રે.
આનંદે ફૂલી ઘણું કાય રે, રુદયાભાર શ્વાસ ન માય રે;
ઢળી પડે વળી બેઠો થાય રે, એક પલક તે જુગ વહી જાય રે.
સ્ત્રીને કહેતા ગયા ભગવાન રે; 'પૂજાથાળ કરો સાવધાન રે;
આ હું ભોગવું રાજ્યાસંન રે, તે તો બ્રાહ્મણનું પુન્ય રે.