પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
શૃંગાર

બેમાં સુંદર કોને કહીએ, વનિતા કે વ્રજનાથ;
નિરખું પરખું પુરુષોત્તમને, માણેકડાં બેહુ હાથ
વેગે કુંજ પધારિયા, લચકે થઈ ઝકઝોળ;
નરસૈંયાનો સ્વામી ભલે મળ્યો, રંગ તણાં બહુ રોળ

પદ ૧૪ મું

મોહ્યુંરે લટકે, મારૂં મન મોહ્યુંરે લટકે.
ગાતર ભગ કીધાં ગિરધારી, જેમરે માર્યાં ઝટકે; મારૂં મન.
વેણ વજાડી વહાલે મારે વનમાં, રગતણે કટકે; મારૂં મન.
મન મારૂં મોળીડેરે અટક્યું, પેલે પીતાંબર પટકે; મારૂં મન.
નરસઈના સ્વામીની સંગે રમતાં, રસ વાધ્યો ચટકે; મારૂં મન.

પદ ૧૫ મું

કામણગારોરે, કહાના તું તો કામણગારોરે.
મને કાંઈ કામણ કીધારે, મારાં ચિત્ત હરીને લીધાં; કહાના.
મારી સાસુડી સંતાપેરે, પેલી નણદી ઓળંબા આપે; કહાના.
મને ભોજનીયાં નવ ભાવેરે, મને નિદ્રા તે કઈપેરે આવે; કહાના.
મને પગની ભરાવી આંટીરે, મને મુખમાં તંબોળે છાંટી; કહાના.
હું તો પૂરણ પદને પામીરે, મને મળ્યો નરસૈંયાનો સ્વામી; કહાના.

પદ ૧૬ મું

કુમકુમને પગલે પધારો, રાજ કુમકુમને પગલે.
મસમસતા મોહનજી પધાર્યા, ડગમગતે ડગલે; પધારો.
મસ્તક પાઘ પિતાંબર સોહિયે, લીલાં અંબર રંગ લે; પધારો.
મુખ ઉપર શ્રમજળનારે મોતી, જોતાં મન હરી લે; પધારો.
સાકર કેરા કરા પડ્યા છે, આંગણિયે સઘળે; પધારો.
દૂધડે મેહ વુઠ્યો નરસૈંયા, રસ વાધ્યો ઢગલે; પધારો.

પદ ૧૭ મું

આ જોને, કોઈ ઉભીરે, આળસ મોડે.
બાંયે બાજુબંધ બેરખા પુંચી, મનડું મોહ્યું છે એને મોઢે; આ જોને.
ઝાંઝર ઝમકે ને વિંછુવા ઠમકેરે, હિંડે છે વાંકે અંબોડે; આ જોને.
સોવરણ ઝારીને અતિરે સમારીરે, માંહી નીર ગંગોદક તોલે; આ જોને.
નરસૈંયાને પાણી પાવાને કારણ, હરિજી પધાર્યા કોડે; આ જોને.