પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૪
પ્રેમાનંદ

મેં સાગર માંહે ઝંપલાવિયું, તુને સાંભરે રે? હા જી, શોધ્યાં સપ્ત પાતાળ, મુને કેમ વીસરે રે?
હું પંચજન્ય શંખ જ લાવિયો, તુને સાંભરે રે? હા જી, દૈત્યનો આણી કાળ, મુને કેમ વીસરે રે?
પછે જમનગરે હું ગિયો, તુને સાંભરે રે? હા જી, આવી મળ્યો જમરાય, મુને કેમ વીસરે રે?
પુત્ર ગોરાણીને આપિયો, તુને સાંભરે રે? હા જી, પછે થયા વિદાય, મુને કેમ વીસરે રે?
આપણ તે દહાડાના જૂજવા, તુને સાંભરે રે? હા જી, ફરીને મળિયા આજ, મુને કેમ વીસરે રે?
તમ પાસ અમો વિદ્યા શીખતા, તુને સાંભરે રે? હું મોટો કીધો, મહારાજ! મુને કેમ વીસરે રે?

વલણ

મહારાજ લાજ નિજ દાસની વધારે છે શ્રીહરિ;
પછે દારિદ્ર ખોવા દાસનું સૌમ્ય દૃષ્ટિ નાથે કરી.

કડવું ૧૧ – રાગ વસંત

સકલ સુંદરી દેખતાં ગોવિંદે ગોષ્ઠિ કીધી;
દારિદ્ર ખોવા દાસનું ગાંઠડી દૃષ્ટમાં લીધી.
ઈન્દ્રનો વૈભવ આપશે સ્વલ્પ સુખડી સાટે;
અઢળક ઢળિયો રે મુષ્ટિ તાંદુલ માટે.
મનવાંછિત ફળ આજ પામ્યો, મિત્ર મળવાને આવ્યા;
કાંઈ ચતુર ભાભઈએ ભેટ મોકલી? કહો, સખા શું લાવ્યા?
ચરણ તળે શું ચાંપી રાખો? મોટું મન કરી કાઢો;
અમો જોગ એ નહીં હોય તો દૂર થકી દેખાડો.
'એ દેવતાને દુર્લભ દીસે', કહી જાચે જાદવરાય;
'જો પવિત્ર સુખડી પ્રેમે આપો, તો ભવની ભાવઠ જાય'
ભગવાન ભાંજશે, ભરમે ભૂલી જુએ નારી સમસ્ત;
'અલભ્ય વસ્તુ શી છે ઋષિ પાસે? જે હરિ ઓડે છે હસ્ત?'
અવલોકન કરતા અલજ્યાં લોજન, ઊભી રહી લઈ પાત્ર;
જદુપતિને જાચે સહુ નારી: 'અમને આપજો તલમાત્ર.'
સુદામો સાંસામાં પડિયો, 'લજ્જા મારી જાશે;
ભરમ ભાંગશે તાંદુલ દેખી, કૌતુક મારું થાશે.
સ્ત્રીને કહ્યે હું લાગ્યો લોભી, તુચ્છ ભેટ મેં આણી;
લાજ લાખ ટકાની ખોઈ, ઘર ધાત્યું ધણિયાણી.'