પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૬
પ્રેમાનંદ

વલણ

વાજે ભેર અખૂટ ભંડારની, ત્રૂટ્યા શ્રીગોપાલ રે;
શર્વરી વાતે વહી ગઈ ને થયો પ્રાત:કાળ રે.

કડવું ૧૨ – રાગ વેરાડી

શુકજી કહે સાંભળ રાજંન, પરમ કથા પ્રૌઢી પાવન;
વળી વિચારે કમળાપતી, મેં સુદામા સરખું આપ્યું નથી.
અકેકો કણ જે તાંદુલતણો, ઈંદ્રાસનર્પે મોંઘો ઘણો;
દુર્બળ દાસના ભાવની ભેટ, પરમ વિધિએ ભરાયું પેટ.
હું એ સરખો થઈ વનમાં તાપું, વૈકુંઠની રિદ્ધિ એને આપું;
સોળ સહસ્ત્ર સાથે રુક્મિણી, સેવા કરે સુદામાતણી.
દ્વારિકા આપવા ઈચ્છા કરી, વળિ મુંઠી શ્રીનાથે ભરી;
ત્યારે રુક્મિણીએ સહાયો હાથ, અમે અપરાધ શો કીધો નાથ.
સામું જોઈ રહ્યાં દંપતી, સોળ સહસ્ત્રમાં પ્રીછતી નથી;
સકળ નારીને કરુણા કરી, તાંદુલ વહેંચી આપ્યા કરી.
તેમાં મુક્યો સ્વાદ અપાર, સ્ત્રી આગળ રાખ્યો મિત્રનો ભાર;
હાસ્ય વિનોદ કરતાં વહી શર્વરી, થયો પ્રાત સુદામે જાચ્યા હરિ.
મને વિદાય કરો જગજીવન, હરિ કહે પધારિયે સ્વામીન;
વળી કૃપા કરજો કોઈ સમે, ઠાલે હાથે નરહરિ નમે.
પ્રભુ પોળ લગી વોળાવા જાય, કોડી એક ન મૂકી કર માંય;
સત્યભામા કહે સુણો જાબુવતી, કૃપણ થયા કેમ કમળાપતી.
બ્રાહ્મણ વળિ મિત્ર પોતાતણો, દરિદ્ર દુ઼ઃખે પીડેલો ઘણો;
તેને વાળ્યો નિર્મુખ ફરી, રુક્મિણી કહે શું સમજો સુંદરી.
બેલડિયે વળગ્યા વિશ્વાધાર, સુદામે જાતાં કર્યો વિચાર;
એના વૈભવ આગળ વળિયો છેક, પણ મને ન આપી કોડી એક.
સ્ત્રીની ચોરી મનમાં ધરી, પણ કાંઈક ગુપ્ત મને આપશે હરી;
માધવ માર્ગે વોળાવા ગયા, પછી સુદામોજી ઊભા રહ્યા.
વિઠ્ઠલજી હવે પાછા વળો, તવ ભેટીને રોયા શ્યામળો;
વળ્યા કૃષ્ણ ફરિ મળજો કહી, પણ કરમાં કાંઈ મૂક્યું નહીં.
ઋષિ સુદામે મૂક્યો નિઃશ્વાસ, ચાલ્યો બ્રાહ્મણ થઈને નિરાશ;
ઋષિ પામ્યો મનમાં સંતાપ, નિંદા કરવા લાગ્યો આપ.