પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૭
સુદામા ચરિત્ર

હું માગવા આવ્યો મિત્ર કને, તેયેં મૃત્યુ શે નાખ્યું મને;
સ્ત્રીજિત નર તે શબ સમાન, રેડાયે ઉપજાવ્યું અપમાન.
એકાંતરા જો મળે જે અન્ન, કંદમૂળ કીજે પ્રાશન;
ભૂખે મરે બાળક નહાનડાં, ખવરાવિયે સૂકાં પાંદડાં;
પવન પ્રાશીને ભરીએ પેટ, નીચ પુરુષની કરીએ વેઠ;
કાષ્ઠ કે તૃણનો વિક્રય કરી, અથવા પર ઘેર પાણી ભરી.
અથવા વિષ પીને પોઢીએ, પણ મિત્ર કને કર નવ ઓડિયે;
અજાચક વ્રત મૂક્યું આજ, ખોઈ લાખ ટકાની લાજ.
દામોદરે મને કીધી દયા, મૂળગા મારા તાંદુલ ગયા;
કૃપણને ધન હોયે ઘણું, એને નગર છે સોનાતણું.
બાંધી મુઠી ને મિત્રાચાર, મોટો નિર્દય નંદકુમાર;
એને આપતાં શું ઓછું થાત, હું દુર્બળની ભાવઠ જાત.
સામા મળી મને ભેટ્યા હરિ, પાગ પખાળીને પૂજા કરી;
આસન વ્યંજન ભોજન ભલું, મુજ રાંકને કોણ કરે એટલું.
એ સર્વ ધૂર્ત કપટીની સેવા, લટપટ કરી મારા તાંદુલ લેવા;
જેનું લે તેનો નવ રાખે ભાર, હરિને નિંદુ તો મને ધિક્કાર.
જો ગોપીનાં મન લીધાં હરી, તો કમળાનું સુખ પામ્યાં સુંદરી;
ઋષિપત્નીનાં ખાધાં અન્ન, તો સાયુજ્ય મુક્તિ પામ્યાં સ્ત્રીજંન.
ચંદન કુબ્જાજીનું લીધ, સ્વરૂપ લક્ષ્મી સમાણું કીધ;
જો ભાજી પત્રનો કીધો આહાર, તો વિદુર તાર્યો સંસાર.
કૃપા કરી મને જગદાધાર, પણ મારું કર્મ કઠોર અપાર;
વિવેક જ્ઞાન સુદામે ગ્રહ્યું, ધન નાપ્યું તો સારું થયું.
ધને કરી મદ મુજને થાત, ભક્તિ પ્રભુની ભૂલી જાત;
કૃષ્ણે મુજને કરુણા કરી, દારિદ્ર દુઃખ ન લીધું હરી.
સુખમાં વ્યાપે ક્રોધ ને કામ, દુ઼ઃખમાં સાંભરે કેશવ રામ.

વલણ

રામ સાંભરે વૈરાગ્યથી, ઋષિ જ્ઞાનઘોડે ચડ્યા;
વિચાર કરતાં ગામ આવ્યું, ધામ દેખી ભૂલા પડ્યા.

કડવું ૧૩ – રાગ વેરાડી

શુકજી ભાખે હરિગુણ ગ્રામજી, દીઠું સુંદર કંચન ધામજી;
મેડી અટારી અદભુત કામજી, ઋષિ વિચારે ભૂલ્યો ઠામજી.