પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૮
પ્રેમાનંદ

ઢાળ

ઠામ ભૂલ્યો પણ ગ્રામ નિશ્ચે, ધામ કોઈ ધનવંતનાં;
એ ભુવનમાં વસતા હશે, જેણે સેવ્યાં ચરણ ભગવંતનાં.
એવું વિચારી વિપ્ર વળિયો, બધું નગર અવલોકન કરી;
ઋષિ ઈચ્છા આણી સર્વ જોતા, તે ભુવન પાછળ ફેરા ફરી.
પછી સુદામો પડ્યા સાંસામાં, વિચાર કરે વેગળા જઈ;
આ ભુવન કોણે કર્યો હશે, પર્ણકુટી મારી ક્યાં ગઈ.
એ વિશ્ચકર્મા રચી રચના, મનુષ્ય પામર શું કરે;
કુટુંબ મારું ક્યાં ગયું, ઋષિ વામ દક્ષિણ ફેરા ફરે.
કોઈ કીર્તિ બોલે હસ્તી ડોલે, હયશાળામાં હય હણહણે;
દાસી કનક કલશ ભરી પાણી લાવે, ઉભા અયુત સેવક આંગણે.
દુંદુભિ વાજે ઢોલ ગાજે, મંડપ તાંડવ થાય છે;
મૃદંગ ધમકે ઘુઘરી ઘમકે, ગીત ગુણિજન ગાય છે.
જોઈ સુદામે નિ:શ્વાસ મૂક્યો, કોઈ છત્રપતિનાં ઘર થયાં;
આશ્રમ ગયાનું દુઃખ નથી, પણ બાળક મારાં ક્યાં ગયાં.
હોમશાળા રુદ્રાક્ષમાળા, મારી પત્ર કુશની સાદડી;
ગોપીચંદન સન્માર્જની ગઈ, વિપત્ય આવડી ક્યમ પડી.
દૈવની ગત્ય ગહન દીસે, પડ્યો પ્રાણ કર્મ આધીન;
કુટુંબ વિટંબની વેદના, હુંને દૈવે દંડ્યો દીન.
તુટી સરખી ઝુંપડી ને, લુંટી સરખી નાર;
સડ્યાં સરખાં છોકરાં, નવ મળ્યાં બીજી વાર.
સંકલ્પ વિકલ્પ કોટી કરતાં, ઋષિ આવાગમન હિંડોળ ચઢ્યા;
બારીએ બેશી પંથ જોતાં, નિજ કંથ સ્ત્રીની દૃષ્ટે પડ્યા.
સાહેલી એક સહસ્ત્ર લેઈને, સતી ગઈ પતીને તેડવા;
જળઝારી ભરીને નારી જાએ, જાણે હરિતની કલશ રેડવા.
હંસગમિની ને હર્ષ પૂરણ, અભિલાષ મનમાં ઈચ્છિયા;
ઝાંઝર ઝમકે ઘુઘરી ઘમકે, વાજે અણવટ વીંછિયા.
સુદામે જાણી આવી રાણી, ઈંદ્રાણી કે રુક્મિણી;
સાવિત્રી કે સરસ્વતી, કે શક્તિ શિવશંકરતણી.
સાહેલી સહુ વીંટી વળી, પદ્મિની લાગી પાય;
પૂજા કરીને પાલવ ગ્રહ્યો, તવ ઋષિજી નાઠા જાય.