પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૯
સુદામા ચરિત્ર

થર થર ધ્રુજે ને કાંઈ ન સૂજે, છૂટિ જટા ઉઘાડે શીશ;
હસ્ત ગ્રહેવા જાય સુંદરી, તવ ઋષિજી પાડે ચીશ.
હું તો સેજે જોઉં છું ઘર નવાં, મને નથી કપટ વિચાર;
હું તો વૃદ્ધ ને તમો જોબન નારી, છે કઠણ લોકાચાર.
ભોગાશક્ત હું નથી આવ્યો; મને પરમેશ્વરની આણ;
જાવા દ્યો મને કાં દમો છો, તમને હજો કલ્યાણ.
આંગણામાં કોઈ નર નથી, આ દીસે સ્ત્રીનું રાજ્ય;
તમને પાપણિયો પરમેશ્વર પૂછશે, હુંને કાં આણો છો વાજ્ય.
ઋષિપત્ની કહે સ્વામી મારા, તમે રખે દેતા શાપ;
દારીદ્ર્ય ગયાં નવાં ઘર થયાં, શ્રીકૃષ્ણ ચરણપ્રતાપ.
એવું કહી કર ગ્રહીને ચાલી, તું સાંભળ પરીક્ષિત ભૂપ;
સુદામો પેઠા પોળમાં, થયું કૃષ્ણ સરખું રુપ.

વલણ

રુપે બીજા કૃષ્ણજી, જરા ગઈ ને જોબન આવિયું;
બેલડિયે વળગ્યાં દંપતી, જાણે કામ જોડું લજાવિયું.

કડવું ૧૪ – રાગ વેરાડી

નિજ મંદિર સુદામો ગયા, તતક્ષણ કૃષ્ણજી સરખા થયા;
દંપતી રાજ્ય શોભાએ ભર્યો, શ્રીકૃષ્ણે દુઃખ દોહિલાં હર્યાં.

ઢાળ

દોહેલાં ગયાં ને શોહેલાં થયાં, ભર્યાં ભવન લક્ષ્મીવડે;
એક મુષ્ઠિ તાંદુલ આરોગ્યા, તે લક્ષ જજ્ઞે નવ જડે.
વસન, વાહન, ભોજન, ભૂષણ ભવ્ય ભંડાર;
ચામર, આસન, છત્ર બિરાજે, ઈન્દ્રનો અધિકાર.
મેડી અટારી છજાં જાળી, ઝમકે મીણાકારી કામ;
સ્ફટિક મણિએ સ્થંભ જડ્યાછે, કૈલાસ સરખું ધામ.
વિશ્વકર્મા ભૂલે બ્રહ્મા, જોઈ ભવનનો ભાવ;
માણક મુકતા રત્ન હીરા, ઝવેર જોત્ય જડાવ.
ગોળી ગોળા ઘડા ગાગર, સર્વ કનકનાં પાત્ર;
સુદામાના વૈભવ આગળ, કુબેર તે કોણ માત્ર.