પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૦
પ્રેમાનંદ

ત્યાં જાચકનાં બહુ જુથ આવે, નિર્મુખ કોઈ નવ જાય;
જેને સુદામો દાન આપે, લક્ષપતિ તે થાય.
ઋષિ સુદામાના પુર વિષે, ન મળે દરિદ્રી કોય;
કોટિધ્વજ ને લક્ષદીપક, અકાળ મૃત્યુ ન હોય.
યદ્યપિ વૈભવ ઈન્દ્રનો પણ, ઋષિ રહે છે ઉદાસ;
વિજોગ રાખે જોગનો, થઈ ગૃહસ્થ પાળે સંન્યાસ.
વેદાધ્યયન અજ્ઞિહોત્ર હોમે, રાખે પ્રભુનું ધ્યાન;
માળા ન મૂકે ભક્તિ ન ચૂકે, એવા વૈષ્ણવ ઋષિ ભગવાન.
સુદામાનું ચરિત્ર સાંભળે, તેનું દુઃખ દારીદ્ર્ય જાય;
ભવ દુઃખ વામે મુક્તિ પામે, મળે માધવરાય.
વીરક્ષેત્ર વડોદરું, ગુજરાત મધ્યે ગામ;
ચતુર્વેશી જ્ઞાતિ બ્રાહ્મણ, ભટ પ્રેમાનંદ નામ.
સંવત સત્તર આડત્રીશમાં, શ્રાવણ શુદી નિદાન;
તિથિ તૃતીયા ને ભૃગુવારે, પદબંધ કીધું આખ્યાન.
ઉદર નિમિત્તે સુરત સેવ્યું, ને ગામ નંદરબાર;
નંદી પુરામાં કીધી કથા, જથા બુદ્ધિ અનુસાર.

વલણ

બુદ્ધિમાને કથા કીધી, કરનારે લીલા કરી;
ભટ પ્રેમાનંદ નામ મિથ્યા, શ્રોતા બોલો જે હરિ.





સુદામા ચરિત્ર સંપૂર્ણ.