પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦
નરસિંહ મેહેતો.

પરભાતે ઊઠીને ગોપી, ગૌને હેરાવે ;
ઓ કાનુડા ! ઓ કાનુડા ! કહીને બોલાવે.- જશોદાના..
આજ તો અમારી ઘેનેં, દૂધ થોડેરાં દીધાં,
રખે રે શામળિયે વહાલે, દોહીને પીધાં.- જશોદાના..
સાંભળ રે સલૂણી શ્યામા, વાતલડી મારી;
તુજ સરખી સલક્ષણી છે, ગાવલડી તારી.- જશોદાના..
એવાં એવાં વચન સુણી, ગોપી આનંદ પામી;
ભક્તવત્સલ ભૂધરજી મળ્યા, મેહેતા નરસૈના સ્વામી.- જશોદાના..

પદ 30 મું.

ભોળી રે ભરવાડણ હરિને, વેચવા ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વહાલો, મટુકીમાં ઘાલી. ભોળીરે.–ટેક.
અનાથના નાથને વેંચે, આહીરની નારી;
શેરીએ શેરીએ સાદ પાડે, લ્યો કોઈ મોરારી. ભોળીરે.
મટુકી ઉતારી માંહી, મોરલી ગાઅગી;
વ્રજનારીને સેજે જોતાં, મૂરછા લાગી. ભોળીરે.
બ્રહ્માદિક ઇંદ્રાદિક સરખા, કૌતક એ-પેખે રે;
ચૌદ લોકના નાથને કાંઈ, મટુકીમાં દેખે. ભોળીરે.
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસલડાંને લાડ લડાવે, નરસૈંનો સ્વામી. ભોળીરે.

પદ 3૧ મું.

વહાલાને જોતાંયે મહારી, ભૂખલડી ભાંગી;
ઘરમાં રહીને શું રે કરૂં માહારી, આંખલડી લાગી. વહાલાને–ટેક
શામળી સુરતે મન, મોહીને લીધું;
કાંઈક શામળિયે વહાલે, કામણ કીધું. વહાલાને.
સંસારીનું સુખ હું તો, તજીને બેઠી;
મધુરી મૂરતી મારે, પાંજરીએ પેઠી. વહાલાને
સોનાની સાંકળીએ મુને, બાંધી રે તાણી;
મનડાની વાતો રે પેલે, મોહનિયે જાણી. વહાલાને.
તુજ મુજ વચ્ચે વહાલા, અંતર નથી;
નરસૈયાચા સ્વામીની લોકે, કથની કથી. વહાલાને.