પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧
શૃંગાર

પદ 3૨ મું.

આજનો માંડવડો મારો, મોગરડે છાંયો;
રાધાજીના સંગે વહાલો, રમવાને આયો. આજનો-ટેક
ગોફણીએ ઘુઘરડી ઘમકે, રેશમની દોરી;
શામળીઓ શામળો રંગે, રાધીકા ગોરી. આજનો.
દહીં દૂધ ને કરમલડો, માંહી સાકર ઘોળી;
માહારા વહાલાજી આરોગે, પીરસે ભમરભોળી. આજનો.
શોળે ને શણગાર સજ્યા સખી, ઓઢણ સાડી;
શ્રી વૃંદાવનમાં વિઠ્ઠલ સાથે, રમત માંડી. આજનો
અખંડ હેવાતણ મારે, એ વર રૂડો;
નરસૈયાચા સ્વામીએ મુજને, પેહેરાવ્યો ચૂડો. આજનો.

પદ 3૩ મું.

મારે રે આંગણિયે, કોણે પંચમ ગાયો;
ધસમસ્યા આવીને વહાલે, પાલવડો સ્હાયો. મારે રે.
પીતાંબર હાર ગળે, મૂગટ શોભંતો;
મદેરે ભર્યોરે પ્રભુ, માનની મોહંતો. મારે રે.
વાંસલડી વાઈને વહાલે, મોહ પમાડી;
પ્રેમશું પાતળિયે વહાલે, હૃદિયાશું ભીડી. મારે રે.
મંદરિયામાં આવી વહાલે, માંડ્યો વિહાર;
ભણે નરસૈયો પામી, પૂરણ આધાર. મારે રે.

પદ 3૪ મું.–રાગ કાલરો

હું રંગરાતી ને છું મદમાતી, શામળિયા સંગ હીચુંરે,
કોડ ભર્યો અતિ કુંવર નંદનો, આલિંગન દેઈ સીંચુંરે. હું રંગરાતી.
હીંડોળે હિંચે મારો વહાલો, હિચંતાં કેલિ કીજે રે;
ઘુમરડી ઘુમાવે ગોકુલપતિ, લહાવો લડસડ લીજે રે. હું રંગરાતી.
અલ જઈએ અલવેશર સાથે, વિલસત જમના માનું રે;
લેહેરી લેતાં અંગ સમાગમ, અધરપાન કીધું છાનું રે. હું રંગરાતી.
હિંડોળે હુલરાવું તમને, હેતે કરીને ગાઉં રે;
નરસૈંયાચા સ્વામી સંગે રમતાં, કાનજીને કંઠે વિટાઉં રે. હું રંગરાતી.