પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૫
કુટફળ


ક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ;
પાણીને દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન;
એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત. ૬૨૮

મુક્તિ બંધ પૂછે મતિમંદ, શોધી જોતાં સ્વે ગોવિંદ;
પ્રાણ પિંડમાં હું કે હરિ, જો જુવે અખા વૃત્તિ કરી;
બંધ મોક્ષ ન કરે ઉચ્ચાર, આકાશકુસુમનો નોહે હાર. ૬૨૯

પિંડ જોતાં કો મુક્તજ નથી, ત્રિવિધ તાપ ભોગવે ધરથી;
સકળ ઇંદ્રિપેં છૂટો રમે, રાગદ્વેષ કોઇએ નવ દમે;
સત્ય સંકલ્પ ને અમ્મર કાય, સર્વ રૂપ જાણે મહિમાય;
ત્યારે અખા મુમુક્ષુ મન, જાણે તે જાણી લે જન. ૬૩૦

જે ધરી આવ્યો ભૌતિક કાય, દેવ નર નાગ કહ્યો નવ જાય;
કાળસત્તામાં તે ત્યાં ખરો, એ તો મન કાઢો કાંકરો;
મન વચન કર્મ હરિમાં ઢોળ, અખો સમજ્યો અંશે સોળ. ૬૩૧

હન ગતિ છે કાળજતણી, જેણે જે જે વાતો ભણી;
તે તેનાં પામ્યાં પરમાણ, પરછંદાની પેરે જાણ;
માંહોમાં દુર્ઘર્ષ અગાધ્ય, અખા જીવને નાવે સાધ્ય. ૬૩૨

નુભવી આગળ વાદજ વદે, ઉંટ આગળ જેમ પાળો ખદે;
ઉંટ તણા આઘાં મેલાણ, પાળાનાં તો છંડે પ્રાણ;
અખા અનુભવી ઇશ્વરરૂપ, સાગર આગળ શું કૂદે કૂપ. ૬૩૩

વી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય;
ઉંદર બિચારા કરતા સોર, જેને નહિ ઉડ્યાનું જોર;
અખાજ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે. ૬૩૪

જોજો રે મોટાના બોલ, ઉજડ ખેડે વાગ્યો ઢોલ;
અંધે અંધ અંધારે મળ્યા, જેમ તલમાં કોદરા મળ્યા;
ઘેંસ ન થાય ન થાય ઘાણી, કહે અખો એ વાતો જાણી. ૬૩૫

આંધળો સસરો ને સણગટ(ઘુંઘટમાં) વહુ, એમ કથા સુણવા ચાલ્યું સહુ;
કહ્યું કાંઇને સમજ્યાં કશું, આંખ્યનું કાજળ ગાલે ઘશ્યું;
ઉંડો કુવોને ફાટી બોખ, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. ૬૩૬

વ્યાસવેશ્યાની એકજ પેર, વિધા બેટી ઉછેરી ઘેર;
વ્યાસ કથા કરે ને રડે, જાણે દ્રવ્ય અદકેરૂં જડે;
જો જાણે વાંચ્યાની પેર, અખા કાં ન વાંચે ઘેર. ૬૩૭