પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૬
અખો


જા પ્રમાણે પ્રબોધે જીવ, બંધનમાં રાખે સદૈવ;
સાચી વાતને સંતજ વદે, તેને મૂરખ ઉલટો નંદે;
અખા આંધળે લુંટ્યો બજાર, સંતગુરુનો એવો વિચાર. ૬૩૮

ગતપ્રમોદી દાઝ ન ટળે, કુવાડામાંથી કાઢે જળે;
સમજુ ને છે સરખો ભાવ, તે ગુરુના મનમાં અભાવ;
એમ જાણીને રીસે બળે, અખા જ્ઞાનીની નિંદા કરે. ૬૩૯

વિષયી જીવથી પ્રીતજ કરે, તત્વદર્શી ઉપર અભાવજ ધરે;
ખાનપાન વિષયાદિક ભોગ, તત્વદર્શીને સર્વે રોગ;
અખા તે ગુરુના મનમાં ખરા, જીવ આવકાર દઇ બેસારે પરા. ૬૪૦

ગુરુ થઇ બેઠો શેનો સાધ, સ્વામીપણાની વળગી વ્યાધ;
તે પીડાથી દુઃખિયો થયો, રોગ કરાર અનુભવથી ગયો;
વાયક જાળમાં ઘુંચવી મરે, અખા જ્ઞાનીનું કહ્યું કેમ કરે. ૬૪૧

જ્ઞાનીને તો સર્વે ફોક, બ્રહ્માદિલગી કલ્પ્યાં લોક;
ત્રણકાંડ કાળની માંડણી, તત્વવેત્તાએ એવી ગણી;
તેની વાત ન જાણે ગૂઢ, અખા ગુરુ થઇ બેઠો મૂઢ. ૬૪૨

સ્વામી થઇને બેઠો આપ, એ તો મનને વળગ્યું પાપ;
શિષ્ય રાખ્યાનો શિરપર ભાર, ઉપર ત્યાગ ને અંતર પ્યાર;
આશા રજ્જુને બાંધ્યો પાશ, અખા શું જાણે જ્ઞાનીની આશ. ૬૪૩

જ્ઞાની ગુરુ ન થાયે કેનો, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર તેનો;
અન્ય જીવની તેને શી પડી, જે તેને ઘેર નિત્ય કાઢે હડી;
સેજ સ્વભાવે વાતજ કરે, અખા ગુરુપણું મનમાં નવ ધરે. ૬૪૪

ગુરુ થઇ મૂરખ જગમાં ફરે, બ્રહ્મવેત્તાની નિંદા કરે;
ભૂતકાળમાં જે થઇ ગયા, તેની મનમાં ઇચ્છે મયા;
અખા વેલી કેમ ટાળે વ્યથા, જે નિત્ય વાંચે મડદાની કથા. ૬૪૫

જે પગલાં અગ્નિમાં જળે, તેને શર્ણે કાળ કેમ ટળે;
પડતું પક્ષી રાખે આકાશ, એમ પગલાં તે આપે વાસ;
નહિ પગલાંને શરણે જા, ત્યારે અખા ભવની મટે અજા. ૬૪૬

રણ શરણ તો ખોટી કરી, વણ ચરણોનો દીઠો હરિ;
ચરણ જળે કે ભૂમાં દાટ્ય, શ્વાન શિયાળિયા કરડે કાટ;
તેણી શરણ અખો શું ગ્રહે, જે સમજે તે એવું લહે. ૬૪૭