પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪
નરસિંહ મેહેતો

પદ 3 જું.

ધ્યાન ધર હરિતણું, અલ્પમતિ આળસુ, જેથકી જન્મનાં દુઃખ જાયે;
અવર ધંધો કરે, અરથ કાંઈ નવ સરે, માયા દેખાડિને મૃત્યુ વહાયે. ધ્યા.
સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં, શરણ આવે સુખ પાર ન્હોયે;
અવર વેપાર તું, મેહેલ્ય મિથ્યા કરી, કૃષ્ણનું નામ તું રાખ મ્હોયે. ધ્યા.
પટક માયા પરી, અટક ચરણે હરિ, વટક્ય મા વાત સુણતાંજ સાચી;
આશનું ભવન આકાશ સૂધી રચ્યું, મૂઢ એ મૂળથી ભીંત કાચી. ધ્યા.
અંગ જોબન ગયું, પલિત પિંજર થયું, તોય નથી લ્હેતો શ્રીકૃષ્ણ કહેવું;
ચેતરે ચેત દિન, ચાર છે લાભનાં, લીંબુ લ્હેકાવતાં રાજ લેવું. ધ્યા.
સરસ ગુણ હરિતણા, જે જનો અનુસર્‌યા, તે તણા સુજશ તો જગત બોલે;
નરસૈંયા રંકને, પ્રીત પ્રભુ શું ઘણી, અવર વેપાર નહીં ભજન તોલે. ધ્યા.


પદ ૪ થું.

હરિ તણું હેત તને, ક્યમ ગયું વીસરી, પશુરે ફેડીને નરરૂપ કીધું,
હાડ ને છેડ કરી સહુ તને હાંકતું, આજ વધારીને માન દીધું. હ.
ઘાંચીનું ગાળિયું, કંઠથી ટાળિયું, નેત્રના પાટા શ્રીનાથે છોડ્યા,
તે તણાં ચરણને, નવ ભજ્યો કૃતઘ્નિ, તેં ન ગુણ પાડના હાથ જોયા. હ.
પગ ઠોકી કરી, માગતો મૂઢ મતી, ઘાસ પાણી કરી શબ્દ ઝીણા;
આજ ગોવિંદ ગુણ, ગાઈને નાચતાં, લાજ આવે તને કર્મહીણા. હ.
લાંબીશી ડોક ને કાંકોલ ચાવતો, ઊંટ જાણી ઘણો ભાર લાદે;
આજ અમૃત જમે, હરખે હળવો ભમે, વૈકુંઠનાથને નવ આરાધે. હ.
પીઠ અંબાડી ને, અંકુશ માર સહિ, રેણુ ઉડાડતો ધરણી હેઠો,
આજ યુવા ચંદન, આભ્રણ અંગ ધરી, વેગે જાય છે તું વેહેલે બેઠો. હ
અન્ન ને વસ્ત્ર ને ભૂષણ સર્વ જે તેહનો તૂજને હતો ઉધારો;
નરસૈંના સ્વામિએ સર્વ સારૂં કરયું, તે પ્રભુને તમે કાં વિસારો. હ