પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ્ઞાન અને વૈરાગ્ય.

પદ ૧ લું. — પ્રભાતિયાં

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ધરવો. ટેક
હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણીપેરે, જોગી જોગેશ્વરા કોઇક જાણે. જે.
નીપજે નરથી તો કોઇ ના રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
રાય ને રંક કોઇ, દૃષ્ટે આવે નહિ, ભવનપર ભવનપર છત્ર દાખે. જે.
ઋતુ લતા પત્ર ફળ, ફૂલ આપે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પોહોંચે. જે.
ગ્રંથ ગરબડ કરી, વાત ન કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે;
મન કર્મ વચનથી, આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સુઝે. જે.
સૂખ સંસારિ મિથ્યા કરી માનજો, કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
જુગલ કર જોડી કરી, નરસૈંયો એમ કહે, જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું. જે


પદ ૨ જું.

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. ટેક.
પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવથકી જીવ થયો એ જ આશે. અ૦.
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવાં, અંત્યે તો હેમનું હેમ હોયે. અ૦.
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. અ૦.


પદ ૩ જું.

શરિર શોધ્યા વિના સાર નહીં સાંપડે, પંડિતો પાર નહીં પામો પોથે,
તાંદુલ મેલીને, તુષને વળગી રહ્યો, ભૂખ નહિ ભાંગે એમાં ઠાલે થોથે. શ૦.
રસનાના સ્વાદમાં સર્વ રૂંધાઈ રહ્યાં, વિગતિ ગુરુ જ્ઞાન વિના રે ગુંથે;
વાણી વિલાસમાં, વિવિધ વાણી વડે, પરહરી વસ્ત્રને વળગે ચુંથે. શ૦.