પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩૩
અનુભવબિંદુ.


મહાપદ તેજ મહંત, સંત શયાળા જાણે;
જ્યાં લઘુબુધનો [૧] નહિ લાગ, વાક્ય વિચિત્ર વખાણે;
મનસા વાચા કાયા, પાયાવન [૨] પંથ વિચરવો;
સગુરો જાણે સંચ, પંચપર [૩] અનુભવ ધરવો;
લિંગચતુષ્ટયવિણ [૪] અખા, ચિદ યોનિ [૫] ચહુ દિશ ભર્યો;
નિરાલંબ નર નાગ સુર, અલગ રહ્યો સત [૬] આવર્યો[૭]
 
નહિ તેજ ને તોયે [૮], દોયા નહિ અવનિ [૯] વાએ;
આકાશથી આઘુંજેહ, નિગમ[૧૦] ત્યાં નેતિ ગાએ;
ત્રિગુણ નહીં તે શૂન્ય, પુન્ય નહિ પાપ ના ધારે;
રક્ત પીત નહિ શ્વેત, શ્યામ નહિ નીલ વિચારે.
ગતિ અવગતિ તે ત્યાં નહીં, તો કહો વિચાર કૈ પેર વદે;
અંબરવત[૧૧] ત ઇશને , ઓળખ અખા સદ ગુરુ રુદે [૧૨].

દેશ વિદેશા ના ભાત, જાત નહિ વર્ણ વિચારે;
દૃશ ષટ અષ્ટ ને એક [૧૩], ચેક પરપંચની પારે;
ભાનું ભુવન મધ્ય વાસ, ઉજાસ અંબરથો આપે;
એ જગત જાળ જંજાળ, કાળ માયા શિર થાપે;
આપ અંબુ અંબુજવિધ [૧૪] , અલગ રહ્યો જળથી અકળ;
સહેજ વિલાસ શ્રી હરિ તણો, સમઝ અખા વરતે સકળ.

મહાપદ એ મરણ, ચરણ વિણ [૧૫] ચિદ્માં દીસે;
અવલોકે બહુ લોક, જેમ મુખ વિના અરીસે;
જેમ દીપકને એક દેહ, તેહથી થાય અનંતા;
તેમ વસ્તુ વિશ્વ ઉત્પન્ન, અન્ય નહિ આપ નિયંતા;
લોક ચૌદ લગી વિસ્તર્યું, અંબર આઘું એમ લહ્યું;
અખા આપ વિસ્તાર વિધ, જગત ભેદ જાની કહ્યું.

હવે અવનીનો કહું અર્થ, વૃથા રહે અવસર ખોતા;
સહેલે જે સમઝાય, કાય મન સ્થિર કરિ શ્રોતા;
ભૂત ભુવન વૃક્ષ ધાત, સાત [૧૬] વાસ્નાદિક અનુપે;
સ્થાવર જંગમ જાત, ભાત સ્થૂલ સૂક્ષ્મ અનૂપે;
સુર નર નાગ વૈકુંઠ લગેં, દૃષ્ટે દીસે જે સહુ;
અખા અવની એક તેમ, આત્મા વ્યાપી રહ્યો બહુ.


  1. થોડી બુદ્ધિનો
  2. પગવિના.
  3. પાંચ ભૂતોની ઉપર
  4. સ્થૂળ સૂક્ષ્મ કારણ, ને મહાકારણ એ ચાર ચિહ્ન વિના.
  5. ચૈતન્ય રૂપ કારણ
  6. બ્રહ્મ
  7. ઢાંક્યો.
  8. પાણી
  9. પૃથ્વી
  10. વેદ
  11. આકાશ જેવા
  12. સદ્ગુરુના હૃદયમાં
  13. ૧૦+૬+૮+૧=૨૫ થી ૫૨
  14. કમળની પેઠે
  15. ચામડા વિના – શરીર વિના
  16. સાત ધાતુઓ