પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉપદેશ


ક્ષમા કરવામાં તત્પર છે તે ધર્મને ઉત્તમ રીતે સાધી શકે છે. (૨) સર્વ સદ્ગુણો વિનયને આધીન છે; અને વિનય નમ્રતાથી આવે છે. જે પુરુષ નમ્ર છે તે સર્વગુણસંપન્ન થાય છે. (૩) સરલતા વિના કોઈ પુરુષ શુદ્ધ થઈ શકતો નથી. અશુદ્ધ જીવ ધર્મ પાળી શકતો નથી. ધર્મ વિના મોક્ષ નથી અને મોક્ષ વિના સુખ નથી. (૪) માટે સરલતા વિના પવિત્રતા નથી, અને પવિત્રતા વિના મોક્ષ નથી. (૫-૬) વિષયસુખના ત્યાગથી જેણે ભય તથા રાગ-દ્વેષને તજ્યા છે એવા ત્યાગી પુરુષ નિર્ગ્રંથ (સમ્યમી અને સંતોષી) કહેવાય છે. (૭) તન, મન અને વચનની એકતા રાખવી, અને પૂર્વાપર અવિરુદ્ધ વચનનો ઉચ્ચાર કરવો એ ચાર પ્રકારનું સત્ય છે. (૮) ઉપવાસ, આહારમાં બે ચાર કોળીયા ઉણા રહેવું, આજીવિકાનો નિયમ, રસત્યાગ, શીતોષ્ણાદિ સમવૃત્તિથી સહેવાં અને સ્થિરાસને રહેવું એ છ પ્રકરનું બાહ્ય તપ છે પ્રાયશ્ચિત, ધ્યાન, સેવા, વિનય, કાર્યોત્સર્ગ અને સ્વાધ્યાય એ છ પ્રકારનું આભ્યન્તર તપ છે. (૯) સંપૂર્ણ સંયમ પૂર્વક મન વચન અને કાયા વડે રહેવું એ બ્રહ્મચર્ય છે
૮૯