પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રસ્તાવના


છીયે તે સ્થિતિ પ્રાપ્ત કરી છે; અને ભવિષ્યમાં જે સ્થિતિ પ્રાપ્ત કરીશું તે પણ એ જ શક્તિનું આલમ્બન લઇને કરીશું. રામ-કૃષ્ણે પણ એ જ શક્તિનું આલમ્બન લઈ સર્વેશ્વરપદ - અવતારપદ - પ્રાપ્ત કર્યું હતું. હવે પછી જે અવતારો થશે તે પણ એજ શક્તિનું આલમ્બન લઇને. આપણામાં અને એમનામાં ફરક એટલો કે આપણે મૂઢપણે - અજાણપણે એ શક્તિનો ઉપયોગ કરીએ છીયે; એમણે બુદ્ધિપૂર્વક - શક્તિને પૂર્ણપણે ઓળખીને - એનું અવલમ્બન લીધેલું.

બીજો ફરક એ કે, આપણે આપણી ક્ષુદ્ર વાસનાઓને તૃપ્ત કરવા પ્રભુનો ઉપયોગ કરીએ છીયે. અવતારી પુરુષની આકાંક્ષાઓ, એમના આશયો મહાન અને ઉદાર હોય છે; એને જ માટે એ આત્મબળનો આશ્રય લે છે.

ત્રીજો ફરક એ છે કે, સામાન્ય જનસમાજ મહાપુરુષોનાં વચનોને અનુસરનારો અને એમના આશ્રયથી તથા એમના ઉપરની શ્રદ્ધાથી પોતાનો ઉદ્ધાર માનનારો હોય છે. જૂનાં શાસ્ત્રો એ જ એમનો આધાર હોય છે. અવતારી પુરુષો કેવળ શાસ્ત્રોને અનુસરનારા નથી હોતા; એ શાસ્ત્રોના રચનારા
૧૧