પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉત્તરકાળજમાલિનો
મતભેદ

.સંસારનો ત્યાગ કરવામાં એમનો જમાઇ જમાલિ અને પુત્રી પ્રિયદર્શના પણ હતાં. આગળ જતાં મહાવીર અને જમાલિ વચ્ચે મતભેદ પડવાથી એણે જુદો પંથ સ્થાપ્યો. કૌશામ્બીના ઉદયન રાજાની મા મૃગાવતી મહાવીરની પરમ ભક્ત હતી, અને પાછળથી જૈન સાધ્વી થઇ હતી એમ કહેવાય છે. બુદ્ધના ચરિત્રમાં ઉદયનની પટ્ટરાણીઓ બુદ્ધનું અપમાન કરવા પ્રયત્ન કર્યો હતો એમ કહ્યું છે. એ ઉપરથી જૈનો અને બુદ્ધો વચ્ચે મતપંથની ઇર્ષ્યાના ઝઘડા ચાલતા હોય એમ સંભવે છે.


નિર્વાણ

. બોંતેર વર્ષની વય સુધી મહાવીરે ધર્મોપદેશ કર્યો. એમણે જૈન ધર્મને નવું સ્વરૂપ આપ્યું. એમના કાળમાં પાર્શ્વનાથ તીર્થંકરનો સંપ્રદાય ચાલતો. પાછળથી મહાવીરે અને પાર્શ્વનાથી અનુયાયીઓએ પોતાના ભેદોને સમાવી દઇ જૈન ધર્મને એકરૂપતા આપી, અને ત્યારથી મહાવીરને સર્વે જૈનોએ અંતિમ તીર્થંકર તરીકે સ્વીકાર્યાં. બોંતેરમે વર્ષે કારતક વદ અમાસને દિવસે મહાવીરનું નિર્વાણ થયું

૯૩