પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રસ્તાવના


અવતારોએ પોતાની રગેરગમાં અનુભવાતા પરમાત્માના બળથી પવિત્ર થવા, પરાક્રમી થવા, પરદુઃખ ભંજન થવા ચાહ્યું. એમણે એ બળ વડે સુખદુઃખથી પર, કરુણહૃદયી, વૈરાગ્યવાન, જ્ઞાનવાન અને પ્રાણીમાત્રના મિત્ર થવા ઇચ્છ્યું. સ્વાર્થના ત્યાગથી, ઇંદ્રિયોના જયથી, મનના સંયમથી, ચિત્તની પવિત્રતાથી, કરુણાની અતિશયતાથી, પ્રાણીમાત્ર તરફના અત્યંત પ્રેમથી, બીજાનાં દુઃખનો નાશ કરવા પોતાની સર્વ શક્તિ અર્પણ કરવા માટેની નિરન્તર તત્પરતાથી, પોતાની અત્યંત કર્તવ્યપરાયણતાથી, નિષ્કામતાથી, અનાસક્તિથી અને નિરહંકારીપણાથી, ગુરુજનોને સેવી તેમના કૃપાપાત્ર થવાથી એ અવતારો ગણાયા, મનુષ્યમાત્રને પૂજનીય થયા.

આપણે ધારીએ તો આપણે પણ એવા પવિત્ર થઇ શકીયે, એવા કર્તવ્યપરાયણ થઇ શકીયે, એટલી કરુણાવૃત્તિ કેળવી શકીયે, એવા નિષ્કામ, અનાસક્ત અને નિરહંકારી થઈ શકીયે. એવા થવાનો આપણો નિરન્તર પ્રયત્ન રહે એ જ અવતારોની ભક્તિ કરવાનો હેતુ. જેટલે અંશે આપણે એમના જેવા થઇયે તેટલે અંશે જ આપણે
૧૩