પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મહાભિનિષ્ક્રમણ


છે ! પરંતુ હું જાતે વ્યાધિના સપાટામાંથી છુટ્યો નથી, અને વ્યાધિગ્રસ્તથી કંટાળું કે તેનો તિરસ્કાર કરૂં તો તે મને શોભે નહિ. આ વિચારથી મારો આરોગ્યમદ સમૂળગો જતો રહ્યો.

અવિદ્વાન્ સામાન્ય મનુષ્ય પોતે મરણધર્મી હોવા છતાં મૃત શરીર તરફ જોઈ કંટાળે છે અને તેનો તિરસ્કાર કરે છે ! પરંતુ હું પણ મૃતધર્મી છું, છતાં સામાન્ય મનુષ્યની પેઠે મૃતશરીર તરફ જોઇ કંટાળું છું કે તેનો તિરસ્કાર કરૂં તો તે મને શોભે નહિ. આ વિચારથી મારો જીવિતમદ તદ્દન ગળી ગયો."

મોક્ષની જિજ્ઞાસા

૬. જેની પાસે ઘર, ગાડી, ઘોડા, પશુ, ધન, સ્ત્રી,પુત્ર, દાસ-દાસી વગેરે હોય તે આ જગતમાં સુખી મનાય છે. મનુષ્યનું સુખ આ વસ્તુઓને આધારે છે એમ માનવામાં આવે છે. પણ સિદ્ધાર્થ વિચારવા લાગ્યો : "હું પોતે જરાધર્મી છતાં, વ્યાધિધર્મી છતાં, મરણધર્મી છતાં, શોકધર્મી છતાં, જરા, વ્યાધિ, મરણ અને શોકથી સંબંધ રાખનારી વસ્તુઓ ઉપર મારા સુખનો આધાર માની બેઠો છું એ ઠીક નથી."